Rajkot: ઈમિટેશનના વેપારીનો અગમ્ય કારણોસર આપઘાત, મોડી રાતે ફાર્મ હાઉસમાં ઈલેક્ટ્રિક વાયરનો ફંદો બનાવી ફાંસો ખાધો

સવારે દેવરાજભાઈનો ફોન સ્વિચ ઑફ આવતા પુત્ર અંકિત ફાર્મ હાઉસમાં તપાસ કરવા ગયો. જ્યાં લોખંડની એંગલમાં પિતાની લાશ લટકતી જોઈને સ્તબ્ધ થઈ ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 15 Dec 2025 06:00 PM (IST)Updated: Mon, 15 Dec 2025 06:00 PM (IST)
rajkot-news-imitation-jewellery-traders-commit-suicide-by-hang-him-self-at-farm-house
HIGHLIGHTS
  • મૃતક ઈમિટેશન એસોસિએશનના સભ્ય હતા
  • પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપના આગેવાનો દોડતા થયા

Rajkot: શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,રણછોડનગર વેકરીયા મેઈન રોડ કિસાન નોવેલ્ટીની સામે રહેતા અને સંતકબીર રોડ પર શિગાર સેલ્સ નામે શો રૂમ ધરાવતા 60 વર્ષના દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા સાયપર ગામે હતા. આ દરમિયાન રાત્રીના કોઈપણ સમયે ઇલેક્ટ્રિક વાયર એંગલમાં બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

સવારે દેવરાજભાઈનો પરિવાર તેઓને ફોન કરી રહ્યો હોય લાંબો સમય સુધી ફોન બંધ આવતા દેવરાજભાઈનો પુત્ર અંકિત ફાર્મ હાઉસ ખાતે જઈને તપાસ કરતાં પિતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દેવરાજભાઈ ઇમિટેશન એસોસિએશનના સભ્ય હતા તેમજ એક નામાંકિત વેપારી તરીકેની તેમની છાપ હતી. સમાજ લક્ષી કે સેવા કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. તેઓના અપમૃત્યુ વિશે જાણ થતા પૂર્વે મંત્રી અરવિદ રૈયાણી, ભાજપના આગેવાનો તેમજ સાથી વેપારીઓ દોડી ગયા હતા.

મૃતક દેવરાજભાઈ મૂળ સાયપર ગામના વતની હતા તેઓ અવારનવાર અહીં આવેલા ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરતા હતા.તેઓને સંતાનમાં એક પુત્ર અંકિત છે.આપઘાતના કારણ અંગે પરિવાર પણ અજાણ છે. તેમજ દેવરાજભાઈનો મોબાઈલ પણ હાલ પોલીસને મળ્યો ન હતો ઘટના અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.