Vadodara: વડોદરા શહેર માટે ગૌરવરૂપ સિદ્ધિરૂપે યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ–2025માં (Gujarat State Junior Snooker Championship) દમદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. પોતાની અસાધારણ પ્રતિભા, સંયમ, ચુસ્ત રણનીતિ અને ટેકનિકલ કુશળતાથી તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજય આપીને પાર્થ શાહે રાજ્યસ્તરે વડોદરાનું નામ રોશન કર્યું છે.
આ સિદ્ધિ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર્થ શાહને પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન આપ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના અભિનંદન પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રમતગમતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010થી દર વર્ષે “ખેલ મહાકુંભ”નું આયોજન શરૂ કરાવ્યું હતું, જેના કારણે અનેક યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાના અવસરો મળ્યા છે. વર્તમાન રાજ્ય સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતાપૂર્વક આગળ વધારી રહી છે.
આ પણ વાંચો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કરવો અત્યંત સરાહનીય છે. સાથે જ તેમણે પાર્થને ભવિષ્યમાં પણ આ જ રીતે પરિશ્રમ, લગન અને પ્રતિભા સાથે પ્રગતિના પંથે આગળ વધતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત જીમખાના ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયનશીપ–2025માં રાજ્યના વિવિધ શહેરોમાંથી કુલ 16 પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
વડોદરાના 18 વર્ષીય પાર્થ શાહે શરૂઆતથી જ દમદાર રમત રમી દરેક રાઉન્ડમાં સ્પષ્ટ જીત સાથે ફાઇનલ સુધીની યાત્રા સફળ બનાવી. ફાઇનલ મુકાબલામાં પણ તેણે શાંતિપૂર્ણ મનોદશા, નિખાલસ આત્મવિશ્વાસ અને ઉત્તમ ટેકનિકથી વિજય મેળવ્યો હતો.
પાર્થ શાહ હાલ સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર-3 ખેલાડી છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ સ્નૂકર ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યો છે. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, તેણે વર્ષ 2025માં ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ પણ જીતેલી છે. તેની આ સિદ્ધિઓ રાજ્યના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.
