Rajkot: પત્નીને ગાંઠિયા લેવા જવાનું કહીને નીકળેલા ઈમિટેશનના ધંધાર્થીએ ઑફિસમાં પહોંચી આપઘાત કર્યો

માનસિક બીમારીથી કંટાળી ધંધાર્થીએ ભર્યું અંતિમ પગલું, ઑફિસના પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 06:24 PM (IST)Updated: Thu, 31 Oct 2024 06:24 PM (IST)
rajkot-news-imitation-businessman-committed-suicide-by-hang-him-self

Rajkot: શહેરના સામા કાંઠે રહેતા ઈમિટેશનના ધંધાર્થીએ ઘરેથી પત્નીને ગાંઠિયા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પોતાની ઑફિસમાં પહોંચી ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ધંધાર્થીએ અંતિમ પગલું ભરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રણછોડનગરમાં આવેલા ચંપકનગર શેરીનં.3માં રહેતા જીતેન્દ્રભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.39)ના નામના યુવાને આજે સવારે પટેલવાડી પાસે આવેલા સત્સંગ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે પોતાની ઇમિટેશનની ઓફિસમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. જીતેન્દ્રભાઇએ આજે સવારે તેમની પત્ની રેખાને ‘હું ગાંઠિયા લઇને આવુ’ એમ કહી ઘરેથી નીકળ્યા બાદ ઓફિસ જઇ અંતિમ પગલું ભરી લીધુ હતુ. મૃતક યુવાનને માનસિક બિમારીની દવા ચાલુ હોવાથી તેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખૂલવા પામ્યુ છે.