Rajkot Fake Currency Printing Case: શહેરના આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર વિસ્તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ પણ વેચતા અભણ દેવીપૂજક શખ્સે ઘરમાં જ જાલીનોટો છાપવાનું ચાલુ કરી દીધું હતું. લવમેરેજ કરનાર આ યુવાન ભાડેથી રહેતો હોવાથી આર્થિક સંકડામણ દૂર કરવા માટે નોટો છાપવાના રવાડે ચડયો હતો, પરંતુ આવી નોટો વટાવે એ પહેલા જ SOGના હાથે પકડાઇ ગયો હતો.
SOGની ટીમ ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, માંડા ડુંગર નજીક શ્યામકિરણ પાર્ક-3માં હિંગળાજ પ્રોવીઝન સ્ટોર સામે ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપે છે. આ બાતમીને આધારે SOG અને ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો. ઘરમાં એક શખ્સ હાજર હોઇ પુછતાછમાં પોતાનું નામ કિશન ભુપેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.30) જણાવ્યું હતું.
પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, CPU, બટર પેપર સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં 100ના દરની નકલી નોટો 216 નંગ, રૂ. 500ના દરની નકલી 3 નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો, CPU, મોનીટર, બે અલગ અલગ પ્રીન્ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂ. 100ના દરની પ્રીન્ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઇલ મળી કુલ રૂ. 65,500નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
રિક્ષાચાલક મિત્રને પાંચેક હજાર વટાવવા આપ્યા પણ વટયા નહીં!
આ ઉપરાંત તેણે કોઠારીયા ચોકડીએ રહેતાં રિક્ષાચાલક મિત્ર અક્ષયને પણ પાંચેક હજારની નકલી નોટો વટાવવા આપી હતી, પણ તેણે એવુ કહ્યું હતું કે આ નોટને લોકો જોતા જ હાથમાં લેતાં જ નકલી હોવાનું ઓળખી જાય છે. આથી તે પણ આ નોટ ચલણમાં વહેતી કરી શક્યો નહોતો. દિપકે દસ હજારની નકલી નોટો સામે પોતે ત્રણ હજાર અસલી રૂપિયા આપશે તેવી વાત કરી હતી.
