Jamnagar: કાલાવડમાં SOGનો સપાટો, 1200 લીટર શંકાસ્પદ દૂધ સાથે ભેળસેળનો કાળો કારોબાર ઝડપાયો

જામનગરના કાલાવડમાં SOGએ ભેળસેળયુક્ત દૂધના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો દૂધ પાવડર અને 75 કિલો વનસ્પતિ ઘી જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 05:22 PM (IST)Updated: Tue, 29 Sep 2026 05:22 PM (IST)
jamnagar-news-sog-busts-adulterated-milk-racket-in-kalavad-1200-liters-seized

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડમાં ભેળસેળયુક્ત દૂધના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. ગુપ્ત બાતમીના આધારે જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ દૂધ બનાવતી ડેરી પર દરોડો પાડીને મોટી માત્રામાં ભેળસેળયુક્ત મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. રવિ મોહન સૈનીની કડક સૂચનાથી SOGની ટીમે કાલાવડમાં આ દરોડો પાડ્યો હતો.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, કાનજી ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 1200 લીટર શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત નકલી દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 75 કિલો દૂધનો પાવડર અને 75 કિલો વનસ્પતિ ઘીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

દરોડાની આ કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે શંકાસ્પદ દૂધના સેમ્પલ લઈને તેને લેબોરેટરી ચકાસણી માટે સીલ કર્યા હતા. માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા અને લોકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે હેતુથી તંત્ર દ્વારા શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.