Bogus doctors: સૌરાષ્ટ્રમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 5 બોગસ ડોક્ટર ઝડપાયા, જામનગર-રાજકોટ SOG પોલીસનો સપાટો

આ મેગા ડ્રાઈવ બાદ તમામ 5 નકલી ડોક્ટરોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Mar 2026 02:50 PM (IST)Updated: Sun, 15 Mar 2026 02:50 PM (IST)
jamnagar-rajkot-sog-police-caught-5-bogus-doctors-in-rural-area
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્રમાં SOG પોલીસ ટીમનો સપાટો
  • જામનગર અને રાજકોટ પાડ્યા દરોડા
  • કુલ 5 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી

Saurashtra Bogus doctors: સૌરાષ્ટ્રમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ SOG પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં જામનગર ગ્રામ્ય અને રાજકોટના બેડલા ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ શખ્સો કોઈપણ માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

જામનગર ગ્રામ્યમાં 4 નકલી ડોક્ટર ઝડપાયા

જામનગર SOG દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં ચાર શખ્સોને મેડિકલ સાધનો સાથે દબોચી લેવાયા છે. પકડાયેલા આરોપીમાં સચાણા ગામથી મૂળ પશ્ચિમ બંગાળનો મધુમંગલ બિશ્વાસ અને દરેડમાંથી જગદીશ મકવાણાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત લાલપુરના મેઘપર ગામમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા મૂળ પશ્ચિમ બંગાળના મીલટન બિશ્વાસ અને પ્રોવાસ વિશ્વાસની જામનગર SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં પોલીસના ડમી દર્દીએ કર્યું કારનામું

રાજકોટ SOG પોલીસ ટીમે બેડલા ગામમાં ચાલી રહેલા એક ગેરકાયદેસર ક્લિનિક પર પણ દરોડો પાડ્યો હતો. અહીં કાર્યવાહી કરવા માટે પોલીસે એક ખાસ વ્યૂહરચના ગોઠવી હતી. જેમાં પોલીસ પોતે જ ગ્રાહક (દર્દી) બનીને ગઈ હતી. આ દરમિયાન 45 વર્ષીય ભાવેશ જોષી નામના શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, પકડાયેલ ભાવેશ માત્ર કોલેજ સુધી જ ભણેલો છે, અને છેલ્લા 6 મહિનાથી કોઈપણ મેડિકલ ડિગ્રી વગર જ દવાખાનું ખોલીને લોકોની સારવાર કરી રહ્યો હતો.

પોલીસ ટીમે દવાઓ અને સાધનો જપ્ત કર્યા

દરોડા દરમિયાન પોલીસે આ તમામ બોગસ ડોક્ટરો પાસેથી સ્ટેથોસ્કોપ, જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનનો જથ્થો અને અન્ય તબીબી સાધનો જપ્ત કર્યા છે. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા નકલી દવાખાના અંગે મોટો પર્દાફાશ થયો છે.