PM Modi Degree Case: અરવિંદ કેજરીવાલને ફટકો, ગુજરાત હાઈકોર્ટે અપીલ ફગાવી, રૂ. 25 હજારનો દંડ યથાવત રાખ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદમાં અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી છે અને ₹25,000નો દંડ પણ યથાવત રાખ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 04:50 PM (IST)Updated: Tue, 29 Sep 2026 04:50 PM (IST)
pm-modi-degree-case-gujarat-hc-rejects-arvind-kejriwal-appeal-upholds-rs-25000-fine

PM Modi Degree Case: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે સંકળાયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાનની ડિગ્રીની માહિતી જાહેર કરવાના આદેશ સંદર્ભેની કેજરીવાલની અપીલ ફગાવી દીધી છે.


ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ ડી.એન. રેની ખંડપીઠે સીંગલ બેંચના ચુકાદાને યથાવત રાખ્યો છે. સીંગલ બેંચે પોતાના ચુકાદામાં આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર ના હોવાનું જણાવ્યું છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલને ફટકારેલા રૂ. 25 હજારના દંડને પણ યથાવત રાખ્યો છે.

હાઇકોર્ટે પોતાના આદેશમાં ટાંક્યું કે, કેસના તથ્યો અને પરિસ્થિતિઓને સમગ્ર રીતે જોતાં અપીલકર્તા તરફથી ઉઠાવાયેલા કોઈપણ આધાર પર પડકારાયેલા નિર્ણયમાં કોઈ ભૂલ શોધી શકાતી નથી. આ સાથે જ અપીલ ફગાવી દેવામાં આવે છે.

ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે 31 માર્ચ 2023ના રોજ કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના 2016ના નિર્દેશને રદ્દ કરી દીધો હતો. આ સાથે જ કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. અદાલતે RTI જોગવાઈઓના કથિત દુરુપયોગ બદલ તેમની ટીકા પણ કરી હતી અને તેમના વલણને ગંભીરતાથી ન લેનારું ગણાવ્યું હતું.

અપીલની સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રૂ. 25,000નો દંડ લગાવવાના આધાર પર સવાલ ઉઠાવ્યો હતો. સિંઘવીએ દલીલ કરી હતી કે, CICએ પોતે એટલે કે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન)ના આધારે કાર્યવાહી શરૂ કરી હતી અને એક ઔપચારિક અરજીના બદલે એક પત્રના આધારે કેજરીવાલને પ્રતિવાદી (રેસ્પોન્ડન્ટ) બનાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાનની ડિગ્રી પહેલાથી જ ઑનલાઈન ઉપલબ્ધઃ ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીએ સિંગલ બેન્ચ સમક્ષ જણાવ્યું કે, વડાપ્રધાનની ડિગ્રી પહેલાથી જ ઓનલાઇન ઉપલબ્ધ છે. જો કે સિંગલ બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી પુનર્વિચાર અરજી (રિવ્યૂ પિટિશન)માં કેજરીવાલના વકીલોએ કહ્યું હતું કે, ડિગ્રી ક્યારેય ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી જ નહોતી. અદાલતે આ દલીલને પણ ફગાવી દીધી હતી.

વડાપ્રધાનની ડિગ્રી RTI અંતર્ગત લાવવાની કેજરીવાલના વકીલની માગ

કેજરીવાલના વકીલે દલીલ કરી હતી કે જો ડિગ્રી વાસ્તવમાં ઓનલાઇન ઉપલબ્ધ છે, તો તે RTI કાયદાના દાયરામાં આવવી જોઈએ અને આવી સ્થિતિમાં આ કેસને આગળ ચલાવવાનો આધાર સમાપ્ત થઈ જવો જોઈએ.

ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ દલીલોનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કેજરીવાલે કેસને સતત આગળ વધાર્યો અને સંસ્થાને બદનામ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ પણ કરી.

મહેતાએ અદાલત પાસે કેજરીવાલ પર દંડ લગાવવાની માંગ કરતા જણાવ્યું કે, આનાથી RTI કાયદાના દુરુપયોગ પર રોક લાગશે અને સરકારી અધિકારીઓનો કામકાજનો સમય એવા વિનંતીઓમાં નહીં વેડફાય, જે કાયદાના હેતુને પૂરો નથી કરતા.