Exclusive: પૂર્વ CM શંકરસિંહ વાઘેલા 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે, બાપુ બોલ્યા- 'હા વાતચીત ચાલુ છે'; અમિત ચાવડાએ પણ પુષ્ટિ કરી

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વાતની પુષ્ટિ કરી છે અને વાઘેલાએ પણ વાતચીત ચાલતી હોવાનું સ્વીકાર્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 04:04 PM (IST)Updated: Tue, 29 Sep 2026 04:30 PM (IST)
shankersinh-vaghela-to-rejoin-congress-ahead-of-navratri-amit-chavda-confirms-high-command-talks

Shankersinh Vaghela Congress Comeback: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે ગુજરાતના રાજકારણને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


હકીકતમાં વૉટચોરી અને EVMમાં ગરબડના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના નહેરુબ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ. આ તકે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસના ઘરવાપસી કરશે તેની પુષ્ટી કરી છે.

શંકરસિંહ વાઘેલા સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છેઃ અમિત ચાવડા

અમિત ચાવડાએ જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી ભાજપની નીતિઓ સામે અવાજ ઉઠાવતા આવ્યા છે. આવનારા સમયમાં બંધારણને બચાવવા અને ભાજપની સરમુખ્ત્યારશાહી સામે તમામ રાજકીય તાકાતો એકજૂટ થશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરશે. હવે જનતાને લાગી રહ્યું છે કે, એકમાત્ર કોંગ્રેસ જ સક્ષમ વિકલ્પ છે. આથી આવનારા દિવસોમાં તમામ વિપક્ષી નેતાઓ એકમંચ પર જોવા મળશે. આ માટે શંકરસિંહ વાઘેલા સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે.

બીજી તરફ ગુજરાતી જાગરણે શંકરસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. જેમાં તેમણે શંકરસિંહ વાઘેલાએ પોતે કોંગ્રેસમાં જોડાવાની વાતચીત ચાલી રહી હોવાનું સ્વીકાર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો

શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર નજર કરીએ તો, તેમણે 1960-70ના દાયકામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક તરીકે શરૂઆત કરી હતી. જે બાદ 1977માં તેઓ કપડવંજ બેઠક પરથી ચૂંટાઈને પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતા.  

1996-97માં શંકરસિંહ વાઘેલાએ રાજપા (રાષ્ટ્રીય જનતા પક્ષ)ની સ્થાપના કરીને કોંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જેના બીજા વર્ષે રાજપાનું કોંગ્રેસમાં વિલિનીકરણ કરી નાંખ્યું હતુ. 2004-2009 મનમોહનસિંહ સરકારમાં કેન્દ્રીય કાપડ મંત્રી બન્યા હતા.

2017માં રાજ્યસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી 'જન વિકલ્પ મોરચો' બનાવ્યો હતો. જે બાદ 2019માં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈને મહામંત્રી બન્યા બાદ બીજા વર્ષે તેમાંથી પણ રાજીનામું આપી દીધુ હતુ. જે બાદ 2024માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી. હવે 9 વર્ષ બાદ તેઓ નવરાત્રિ પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે.