રાજકોટમાં કોંગ્રેસના 'કિસાન અધિકાર ધરણા', ખેડૂતોના દેવા માફી અને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

મીડિયા સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 07:07 PM (IST)Updated: Fri, 30 Oct 2026 07:07 PM (IST)
rajkot-congress-kisan-adhikar-dharna-farmers-loan-waiver-drought-relief-demand-protest

Rajkot Congress Kisan Adhikar Dharna: રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કિસાન અધિકાર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા ધરણામાં શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂતોના દેવા માફ કરવા, ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવાની માંગ સાથે રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મીડિયા સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે સૂકા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો લાંબા સમયથી સરકાર સમક્ષ અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, તેમ છતાં સરકારે માત્ર ચાર જિલ્લાને જ સૂકા જાહેર કર્યા છે.

naidunia_image

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આજે જગતનો તાત ગણાતો ખેડૂત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક તરફ ખેતીમાં પૂરતું ઉત્પાદન મળતું નથી, બીજી તરફ પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પોતાના પરિવાર અને પશુધન સાથે હિજરત કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

કોંગ્રેસ પ્રમુખે સરકાર સમક્ષ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા અને અછતગ્રસ્ત જાહેર કરવા પણ રજૂઆત કરી હતી.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરતાં અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, સરકાર ખેડૂતો પ્રત્યે હમદર્દી દર્શાવતી હોવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. કિસાન સન્માન નિધિ જેવી યોજનાના નામે ખેડૂતોને મળતી રકમ અને ખેતીના વધતા ખર્ચ વચ્ચે મોટો તફાવત હોવાનું જણાવી તેમણે સરકારની ખેડૂતલક્ષી નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

naidunia_image

ધરણા દરમિયાન ખેડૂતોની જમીનોમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખવાના મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ માંગ કરી હતી કે ખેડૂતોની સંમતિ અને વળતર વિના તેમના ખેતરોમાંવીજળીના થાંભલા નાખવા કે અન્ય કામગીરી કરવામાં ન આવે. ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને તેમને યોગ્ય વળતર મળે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમિત ચાવડાએ સરકારને ચીમકી આપતા જણાવ્યું કે, ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના અધિકારો માટે સડકથી લઈને સંસદ સુધી લડત આપશે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સતત તેમની સાથે ઉભી રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે યોજાયેલા આ કિસાન અધિકાર ધરણામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના દેવા માફી, અછતગ્રસ્ત જાહેર કરવા, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા તથા વીજ પોલના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઈને યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની માંગણી દોહરાવી હતી.