Rajkot Illegal Gas Refilling: રાજકોટમાં લોકોની જિંદગી જોખમમાં મૂકીને રાંધણ ગેસના બાટલાની ગેરકાયદેસર હેરાફેરી, રિફિલિંગ અને સંગ્રહખોરી કરનારા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઢેબર રોડ પર આવેલા અટીકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળતા SMC ટીમે જુદા જુદા ઘરો અને ગોડાઉનોમાં એકસાથે દરોડા પાડ્યા હતા.
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસને સ્થળ પર જ ગેસના મોટા બાટલામાંથી નાના અને અન્ય બાટલામાં જોખમી રીતે રિફિલિંગ કરવાનું નેટવર્ક ચાલતું જોવા મળ્યું હતું. પોલીસે બંને દરોડાના સ્થળ પરથી કુલ 553 નંગ રાંધણ ગેસના બાટલા કબજે કર્યા છે. નેટવર્કમાં સંડોવાયેલા વિવિધ નામાંકિત ગેસ એજન્સીના કર્મચારીઓ, ડિલિવરી બોય અને રિક્ષા ચાલકો સહિત કુલ 22 શખ્સો સામે કાયદેસરની કડક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ રેડ (અટીકા આહિર ચોક)
પ્રથમ દરોડો SMC હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે અટીકા આહિર ચોક પાસે નહેરુનગર શેરી નંબર 8-10 સ્થિત મકાન તથા ગોડાઉનમાં પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી અમિત ધીરુભાઈ ડાંગર (ઉંમર 35 વર્ષ) અને આશિષ રમેશભાઈ ગોંગરા (ઉંમર 24 વર્ષ) ની અટકાયત કરવામાં આવી છે.
આ ઉપરાંત ધીરૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણ ડાંગર, ઉમેશ પ્રભાત બોરીયા, સંજય ચાવડા (દ્વારકેશ ગેસ એજન્સી), સંજય રાજપૂત (ફ્રીડમ ગેસ એજન્સી), રાજ (આકૃતિ ગેસ એજન્સી) અને તજુ (જૈમિન ગેસ એજન્સી) એમ 7 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા (Essential Commodities Act) અને BNS કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
બીજી રેડ (ન્યૂ નહેરૂનગર)
બીજો દરોડો SMC પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે ન્યૂ નહેરૂનગર સાઉથ શેરી નંબર 4 અને ન્યૂ નહેરૂનગર આરતી મેઇન રોડ શેરી નંબર 2 ખાતે આવેલ રહેણાંક મકાનોમાં પાડવામાં આવ્યો હતો. આ જગ્યાથી પોલીસે વધુ 240 બાટલા કબ્જે કરી સ્થળ પરથી 5 આરોપીની ધરપકડ કરી હતી.
- હરદેવ કાનજીભાઈ ચાવડા
- મેરામણ કરશનભાઈ ચાવડા
- રમેશ ગગુભાઈ ચાવડા (રિક્ષા ચાલક)
- રાકેશ મહેશકુમાર બિશ્નોઈ (રહે. જોધપુર, રાજસ્થાન)
- પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરી (રહે. ગોંડા, ઉત્તર પ્રદેશ)
આ ઉપરાંત રાજુ સોલંકી (જૈમિન ગેસ એજન્સી), કરણ લાવડીયા (જૈમિન ગેસ એજન્સી), મંગાભાઈ (મધુરમ ગેસ એજન્સી), શૈલેષ ચાવડા (મધુરમ ગેસ એજન્સી), અરવિંદ નટ (જય ભીમ ગેસ એજન્સી), હિતેશ ચાવડા (AGS પ્યોર ગેસ એજન્સી), ચંદુ રાઠોડ (રિક્ષા ડ્રાઈવર) અને જીતેન્દ્ર (ઝરીવાલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) એમ 8 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મોડસ ઓપરેન્ડી અને ગંભીર આક્ષેપો
પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ આરોપીઓ પોતાના તેમજ ભાડાના ગોડાઉનોમાં કોમર્શિયલ અને ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરોનો ગેરકાયદેસર જથ્થો રાખતા હતા. તેઓ રહેણાંક વિસ્તારની વચ્ચે જ્વલનશીલ પદાર્થો અંગે ઘોર બેદરકારી દાખવી, સુરક્ષાના કોઈ પણ સાધનો વિના ગેસ રી-ફીલિંગનું જોખમી કામ કરતા હતા, જેનાથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા.
આ સિવાય, તેઓ સરકાર માન્ય નિર્ધારિત બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ગેસનું કાળાબજાર કરતા હતા અને સસ્તા ઘરેલુ (ડોમેસ્ટિક) ગેસના બાટલાનો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે મોંઘા ભાવે વેચાણ કરવાનો કારોબાર ચલાવતા હતા. આ કાળો કારોબાર આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી અલગ-અલગ કંપનીના ભરેલા અને ખાલી ગેસના બાટલા નંગ 201, રીફીલીંગ માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટરો, વજનકાંટા, સીલ કરવા માટેની સામગ્રી, ડિલિવરીમાં વપરાતા વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. 4,63,445 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC ટીમે બંને ગુનાઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યા છે. આ કૌભાંડની આગળની તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમ સંભાળશે.
