પરેશ ગોસ્વામીની આગાહીઃ ચોમાસાની વિદાયને લાગી બ્રેક, 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વરસાદનો આખરી રાઉન્ડ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પ્રક્રિયામાં વિલંબ થયો છે, પરંતુ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદનો આખરી રાઉન્ડ જોવા મળશે. આ વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આવશે અને 6 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ લેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 10:42 PM (IST)Updated: Sun, 27 Sep 2026 10:42 PM (IST)
paresh-goswami-weather-forecast-gujarat-monsoon-withdrawal-delayed-final-rain-round-from-sep-30-to-oct-4
HIGHLIGHTS
  • 6 ઓકટોબર પછી પડનારો વરસાદ 'માવઠું' ગણાશેઃ પરેશ ગોસ્વામી

Paresh Goswami Weather Forecast: આ વર્ષે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં પ્રવેશેલા નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો કે ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણ વિદાય લે, તે પહેલા મેઘરાજા પોતાનો અંતિમ રાઉન્ડ પુરો કરવાના મૂડમાં લાગી રહ્યા છે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વિદાય પૂર્વે વરસાદના આખરી રાઉન્ડને લઈને એક મહત્ત્વપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.


બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વિદાય પ્રક્રિયા ખોરંભે

ગત 13 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ચૂકી છે અને 5 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી વિદાય થઈ જતી હોય છે. જો કે આ વર્ષે ચોમાસાની વિદાય પ્રક્રિયા વિલંબમાં ચાલી રહી છે.

હકીકતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે 23 સપ્ટેમ્બર સુધી ચોમાસાની વિદાય આગળ વધ્યા બાદ પ્રક્રિયા અટકી ગઈ છે. આ સિસ્ટમ આગળ વધતા વિદાય પ્રક્રિયા પુનઃ વેગ પકડશે. જે બાદ 6 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે. એટલે કે 6 ઓક્ટોબર સુધી પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે, જ્યારે તે પછી પડનારો વરસાદ 'માવઠું' ગણાશે.

30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર ગુજરાતમાં વરસાદનો આખરી રાઉન્ડ

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, રાજ્યમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે, તે પહેલાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદનો આખરી રાઉન્ડ જોવા મળશે. જેમાં 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોથી વરસાદના આ રાઉન્ડની શરૂઆત થશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં માત્ર છાંટા પડી શકે છે.

1 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિદાય બાકી રહી હોય, તેવા સીમિત વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ કચ્છમાં થંડરસ્ટોર્મ સાથે ભારે ઝાપટા પડી શકે છે.

જ્યારે બીજી ઓક્ટબરે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધશે. જેમાં ગીર સોમનાથના દરિયાકાંઠાના ભાગો, રાજકોટથી જામનગરનો પટ્ટો ઉપરાંત દ્વારકા અને પોરબંદરના કેટલાક ભાગોમાં ગાજવીજ અને થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની શક્યતા છે.

3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહશે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપડા પડશે. 4 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ અને વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે 5 ઓક્ટોબરથી ચોમાસું આગળ વધી જશે અને રાજ્યનું હવામાન ખુલ્લુ થઈ જશે.

આ સાથે જ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હોવાથી વરસાદનું સ્વરૂપ તોફાની અને સ્થાનિક રહેશે. એટલે કે આ રાઉન્ડમાં એવું બનશે કે, કોઈ એક સ્થળે ધોધમાર વરસાદ તૂટી પડે, તો ત્યાંથી માત્ર 5 કિલોમીટર દૂરના વિસ્તારમાં સહેજ પણ વરસાદ ના હોય.