અરવિંદ કેજરીવાલની અપીલ મામલે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું-યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર ન કરી શકે

અગાઉ સિંગલ જજની બેન્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 16 Sep 2026 05:52 PM (IST)Updated: Wed, 16 Sep 2026 05:52 PM (IST)
ahmedabad-news-pm-modi-degree-case-gujarat-high-court-hears-arvind-kejriwals-appeal

Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ સિંગલ જજની બેન્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેની સામે કેજરીવાલે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે. આ મામલે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત યુનિવર્સિટીનો પક્ષ રજૂ કરતા આકરા વલણ સાથે દલીલો કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર ન કરી શકે. વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, માહિતીના અધિકાર (RTI) હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય કે કેમ તે મોટો પ્રશ્ન છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન એક બંધારણીય પદ પર છે અને તેમની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને કોઈ વાંધો ન હોઈ શકે. જોકે, માત્ર ડિગ્રી બતાવવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનું પગલું છે. જો સિંગલ જજના હુકમ બાદ કેજરીવાલને ખરેખર ડિગ્રીમાં રસ ન હોત, તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. તુષાર મહેતાએ ઉમેર્યું કે, જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવાની માંગણીઓ આવતી રહેશે, તો શૈક્ષણિક સંસ્થાઓ આવી અરજીઓથી ઉભરાઈ જશે.

કોર્ટે પણ આ સમગ્ર મામલે નોંધ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, યોગ્ય કાર્યવાહી કર્યા વગર યુનિવર્સિટી કોઈપણ સંજોગોમાં ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે યુનિવર્સિટીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ નોંધાવી છે.

તુષાર મહેતાએ કોર્ટમાં ભારપૂર્વક કહ્યું કે, RTI એક્ટ હેઠળ સેક્શન 8માં કેટલીક માહિતીઓને મુક્તિ આપવામાં આવી છે. યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે. કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ, માનસિક કે શારીરિક સ્થિતિ અથવા ઉત્તરવહી જેવી માહિતી ખાનગી હોય છે. જો કોઈ વિદ્યાર્થી પોતાની માહિતી માંગે તો પરીક્ષા બોડી તેને આપી શકે, પરંતુ થર્ડ પાર્ટીને આપી શકાય નહીં. જિજ્ઞાસાવૃતિ હેઠળ માંગવામાં આવતી માહિતી લોકહિતનો મુદ્દો બની શકતી નથી. વડાપ્રધાનના પદ માટે ડિગ્રીની આવશ્યકતા જ નથી, ત્યારે આવી માંગણી કરવી તે અર્થહીન છે.

સિંગલ જજના ચુકાદામાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ડિગ્રી નહીં પરંતુ ડિગ્રીની માહિતી જ પબ્લિક ડોમેઈનમાં છે, તેમ છતાં કેસ ચાલુ રાખવા બદલ કેજરીવાલ પર દંડ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ દંડ અને કેજરીવાલ સામે કરવામાં આવેલી ટિપ્પણીઓને હટાવવી જોઈએ નહીં. આ મામલે હવે પછીની વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.