PM મોદીની ડિગ્રીનો વિવાદ: ગુજરાત હાઈકોર્ટમાં સોલિસિટર જનરલની ધારદાર રજૂઆત, હવે 10 સપ્ટેમ્બરે થશે સુનાવણી

સોલિસિટર જનરલે કહ્યું, ‘કેજરીવાલનો દંડ રદ કરવાને બદલે અપીલ કરવા બદલ પણ વધુ દંડ લાદવો જોઈએ.’

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 03 Sep 2026 10:07 AM (IST)Updated: Thu, 03 Sep 2026 10:07 AM (IST)
pm-modi-degree-case-gujarat-high-court-arvind-kejriwal-tushar-mehta-argument
PM Modi Degree Case

PM Modi Degree Case: વડાપ્રધાન મોદીની ડિગ્રી જાહેર કરવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગલ જજ દ્વારા ફટકારવામાં આવેલા દંડના ચુકાદા સામે કરાયેલી અપીલના મામલે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલે અરવિંદ કેજરીવાલ સામે આકરું વલણ અપનાવતા વધુ દંડ લાદવાની માંગ કરી છે.

અપીલ કરવા બદલ પણ દંડ કરવો જોઈએ: સોલિસિટર જનરલ

ગત 2 સપ્ટેમ્બરના રોજ આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા વર્ચ્યુઅલી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર રહ્યા અને રજૂઆત કરતા જણાવ્યું કે, કેજરીવાલને મેરિટ પર કેસ લડવા દેવામાં આવે. કેજરીવાલને અગાઉ ફટકારાયેલો દંડ રદ કરવાની વાત તો ખૂબ દૂર છે, પરંતુ અપીલ કરવાના પગલાં બદલ પણ તેમની પર વધારાનો દંડ લાદવો જોઈએ.

સોલિસિટર જનરલે આક્ષેપ કર્યો કે, આ કેસમાં કાયદાકીય રીતે લડ્યા અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને સરેઆમ બદનામ કરી છે. સોલિસિટર જનરલે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, જો તેઓ પોતાની અપીલ પાછી ખેંચવા માગતા હોય તો તેમને કોઈ વાંધો નથી, અન્યથા કોર્ટ સમક્ષ મેરિટ પર જ દલીલો અને રજૂઆત કરે.

કેજરીવાલે RTI કરીને ડિગ્રી માંગી જ નથી: અભિષેક મનુ સિંઘવી

આ અગાઉ, 1 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ વતી દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ હાઈકોર્ટ સમક્ષ દલીલ રજૂ કરી હતી. સિંઘવીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, સિંગલ જજના અગાઉના હુકમમાં જે એવું દર્શાવવામાં આવ્યું છે કે PM મોદીની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તે હકીકત તદ્દન ખોટી છે.

તેમણે બચાવ કરતાં રજૂઆત કરી કે, અરવિંદ કેજરીવાલે ક્યારેય પણ કોઈ RTI અરજી કરીને પ્રધાનમંત્રીની ડિગ્રી માંગી જ નહોતી. આ કેસ ચીફ ઈન્ફોર્મેશન કમિશનર (CIC) ના સ્તરેથી સુઓ મોટો પ્રક્રિયાથી ઉદભવ્યો અને CSI દ્વારા ગુજરાત યુનિવર્સિટીને નિર્દેશ અપાયા હતા. તેની સામે ગુજરાત યુનિવર્સિટી હાઈકોર્ટમાં પહોંચી હતી, જ્યારે કેજરીવાલ તો માત્ર આ કેસમાં એક સામાન્ય પક્ષકાર તરીકે જ જોડાયેલા હતા. આથી તેમને આ કેસમાં દંડ ફટકારી શકાય નહીં અને વિરુદ્ધ ઓર્ડરમાં કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓ પણ દૂર થવી જોઈએ.

દંડ રદ કરવા સરકારની તૈયારી, ટિપ્પણી સામે કેજરીવાલનો વાંધો

અરવિંદ કેજરીવાલના વકીલે રજૂઆત કરી કે, જ્યારે તેમણે સત્તાવાર રીતે કોઈ RTI અરજી કે હાઈકોર્ટમાં સીધી અરજી કરી જ ન હોય, છતાં પણ 25 હજારનો દંડ ફટકાર્યો છે તે બાબતે તેમને સખત વાંધો છે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સરકારી વકીલને પૂછીને સ્પષ્ટતા કરી કે, સરકાર આ દંડ રદ કરવા તૈયાર છે, પરંતુ સિંગલ જજનો બાકીનો ચુકાદો જેમ છે તેમ યથાવત રહેશે

જોકે, કેજરીવાલ પક્ષે આ વાતનો અસ્વીકાર કરતાં જણાવ્યું કે, સિંગલ જજના ચુકાદામાં તેમની વિરુદ્ધ જે નકારાત્મક નોંધ અને ટિપ્પણી કરી છે, તેને કાયદેસર રીતે દૂર કરવી જોઈએ. આ કેસમાં કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ વધુ દલીલ કરવા માટે સમયની માંગણી કરી હતી. જેને પગલે હાઈકોર્ટે બંને પક્ષકારની પરસ્પર સહમતિથી આ કેસની આગામી વધુ સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત કરી છે.