Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા સોમવાર 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત પહેરવા ઉપરનો નિયમ અમલી કરવામાં આવનાર છે અને જેને લઈને શહેરમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. 8 સપ્ટેમ્બરથી દરેક ટુ વ્હીલ ચાલકો અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.
સોમવારે રાજકોટ શહેરના લોકોને ફરજિયાત ટોપા પહેરીને નીકળવું પડશે. હેલ્મેટની અમલવારીને લઈને પોલીસ પણ એલર્ટ બની છે. આવતીકાલે રવિવારે ટ્રાફીક પોલીસ દ્વારા હેલ્મેટની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવનાર છે અને સોમવારથી શહેર ભરની પોલીસ હેલ્મેટની અમલવારી માટે રસ્તાઓ ઉપર ઉતરી પડશે. જેને લઈને લોકોમાં પોલીસ સાથે ઘર્ષણ થવાની શકયતા છે.
શહેરમાં હેલ્મેટની અમલવારીને લઈને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત હેલ્મેટ માટેની જાહેરાત કર્યા બાદ રાજકોટ શહેરમાં સોમવારથી હેલ્મેટના કાયદાનો અમલ કરાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ મારફતે હેલ્મેટના કાયદાને અસરકારક બનાવવા 8 સપ્ટેમ્બર સોમવારથી તેનો કડક અમલ કરાવવા સરકારને ફરમાન આપવામાં આવ્યું હોય જેને લઈને હવે પોલીસ તંત્રને હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટ દ્વારા માનવ જીંદગીને કમોતે મરતાં અને હેમરેજથી મૃત્યુ પામતા ટુ વ્હીલ ચાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સોમવારથી પોલીસ કડક અમલ કરાવવા જઈ રહી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવવાના આદેશને પગલે શહેર ટ્રાફીક પોલીસ સાથે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ રસ્તા ઉપર ચેકીંગ માટે ઉતરી જવા આદેશ અપાયો છે. જેથી સોમવારથી શહેર ભરની પોલીસ રસ્તાઓ પર તુટી પડશે.
એક તરફ હેલ્મેટના કાયદાના અમલ બાબતે રાજકોટનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી હેલ્મેટનો કાયદો શહેર વિસ્તારમાં લાગુ ન કરવા માંગણી કરી છે. ગોવિંદભાઈ પટેલની રજૂઆતને સમર્થન આપી શહેર વિસ્તારમાં હેલ્મેટનો કાયદો ન હોવો જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યાં છે. જો કે હાઈકોર્ટના આદેશને પગલે સરકાર કોઈપણ ભોગે હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા મક્કમ છે.
હેલ્મેટના કાયદાનો શહેરી વિસ્તારમાં અમલ કરાવવાને લઈને વિરોધનો સૂર ઉભો થયો છે ત્યારે સોમવારે હેલ્મેટના કાયદાના અમલ કરાવવા પોલીસ રસ્તા ઉપર ઉતરી પડશે, ત્યારે ચોક્કસપણે વાહન ચાલકો સાથે ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.
પોલીસ દ્વારા સોમવારે હેલ્મેટના નિયમનો અમલ કરાવવા પૂર્વે રવિવારે હેલ્મેટ જાગૃતિને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને હેલ્મેટ પહેરવા માટે નિયમ સમજાવવામાં આવશે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં જ્યારે જ્યારે હેલ્મેટના કાયદાનું અમલ કરાવવામાં પોલીસે જે વલણ દાખવ્યું છે તેની સામે ભારે રોષ સાથે લોકજુવાળ જોવા મળ્યો છે, ત્યારે સોમવારે ફરી વખત પોલીસ અને પ્રજાજનો સામે-સામે આવી જાય તેવી સ્થિતિ જોવા મળશે.