Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક લાભુભાઈ એન્જિનિયરિંગ કૉલેજ સામે રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ પામનારા સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સહિત અનેક પાટીદાર અગ્રણીઓ ગેરહાજર રહ્યા હતા. એવામાં જાહેર મંચ પરથી મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને ટકોર કરી હતી.
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણે પાટીદારો સરદારના વંશજો કહેવાઈએ. આથી ક્યારે મગજ જતું રહે, કંઈ કહેવાય નહી. હું અને મનસુખ માંડવિયા ચિંતા કરતાં હતા કે, આપણે દરેક સમાજમાંથી સારું-સારું શીખવું જોઈએ. હાલ પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે, હવે શીખવાની જરૂર ક્યાંથી છે. આપણે જૈનો પાસેથી મગજ શાંત રાખતા શીખવું જોઈએ.
લેઉવા અને કડવા પાટીદારો એક જ છે: ગોવિંદ ધોળકિયા
આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ ઉપરાંત ભાજપના પાટીદાર ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ગેરહાજર રહ્યાં હતા. આ સંદર્ભે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે, બન્ને નેતાઓ પોતાના અંગત કામોના કારણે કાર્યક્રમમાં હાજરી ના આપી શક્યા હોય તેવું હોઈ શકે છે. કોઈ પાટીદાર કડવા કે લેઉવા નથી. પાટીદારો એક જ છે.
જણાવી દઈએ કે, કણકોટ ખાતે કુલ 40 હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટસ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો થકી સામાજિક ઉત્થાનના કાર્યો થશે.
