Rajkot: રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમાં ગઇકાલે મસ્જિદ પાસે આવેલી 3 દુકાનમાંથી મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સોએ સામાન બહાર ફેંકી દેતા વેપારીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટના સામે આવતા જ સાંજના સમયે ક્રાઇમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેના પ્રશ્નો સાંભળી અને બાદમા વેપારીઓની ફરિયાદ પરથી મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સો સામે વેપારીઓની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માલ સામાન દુકાનની બહાર ફેંકી દઇ ધમકી આપ્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રેસકોર્ષ રોડ ગેલેકસી સિનેમાની પાછળ કિરણ સોસાયટી બ્લોક નં 17-18માં રહેતા વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચા નામના વૃદ્ધ વેપારીએ નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી અને તેની સાથે આવેલા અજાણ્યા 4 શખ્સો સામે વેપારીઓની દુકાનમાં ગેરકાયદેસર ઘુસી અને માલ સામાન ફેકી દેવા તેમજ ધમકી આપ્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે પીઆઇ આર. જી. બારોટની રાહબરીમા પીએસઆઇ બી. એચ. પરમાર તપાસ ચલાવી રહયા છે.
વિરેન્દ્રભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા 50 વર્ષથી નવાબ મસ્જિદના ટ્રસ્ટની ભાડાની દુકાનમા મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. ગઇકાલે સાંજના સમયે પોતાની દુકાનની સામે ભત્રીજા કનૈયાલાલ રસીકલાલ કોટેચાની તેલ ખાંડની દુકાન આવી હોય, ત્યાં ઓટલા પર બેઠા હતા. તેમજ પોતાની મંડપ સર્વિસની દુકાનની બાજુમાં અન્ય બે દુકાન અભિષેકભાઇ ઠકકર અને બીજી દુકાન હસમુખભાઇ મહેતાની છે. આ બંને દુકાનો પણ આ નવાબ મસ્જિદના ટ્રસ્ટની છે.
ગઇકાલે 4 -5 માણસો વિરેન્દ્રભાઇની દુકાન તેમજ હસમુખભાઇ મહેતાની દુકાનનું તાળુ તોડી અને દુકાનમાં રહેલો સામાન બહાર ફેકવા લાગ્યા હતા. આથી વિરેન્દ્રભાઇએ ત્યા પહોંચી આ લોકોને સામાન બહાર ફેકવાનુ કારણ પૂછતા તેમાથી એક વ્યકિતએ પોતાનું નામ ફારૂક મુસાણી આપ્યુ હતુ અને પોતે નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છું તેમ જણાવ્યુ હતુ. તેમજ તેમને વેપારીઓએ જણાવ્યુ કે તેઓએ કોઇ નોટિસ કે સમય આપ્યા વગર દુકાનમાંથી માલ સામાન બહાર ફેકી ના શકો. તેમજ દુકાન ખાલી કરવાની કોઇ વાત કરી નથી. આમ છતા તમે તુરંત જ દુકાન ખાલી કેમ કરાવો છો ? જેથી ફારૂકે કહયુ હતુ કે, દુકાનનો કબજો અમોને સોંપી દો અને બાકીનો દુકાનમાં રહેલો સામાન તમારી રીતે કાઢી લેજો નહીં તો અમે સામાન બહાર ફેકી દેશુ.
આ ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તેમજ એ ડીવીઝનના પીઆઇ બારોટ સહીતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષને સાંભળી લઇ વેપારી વિરેન્દ્રભાઇની ફરીયાદ પરથી ટ્રસ્ટી ફારૂક સહીત પાંચ વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.
