Rajkot: હાલ સોના-ચાંદીના ભાવ વધારાને કારણે સોની બજારમાં કામ કરતાં અનેક શ્રમિકોને કામ ના મળતા બેરોજગાર બન્યા છે અને તેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ઘણાં શ્રમિકો માથે દેવું થઈ જતાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે આવા કપરા સમયે વેપારી અને શ્રમિક આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે.
એવામાં રાજકોટના જામનગર રોડ પર વ્હોરા સોસાયટીમાં રહેતા સોની વેપારીને છેલ્લા બે મહિનાથી કામ ન મળતા તે આર્થિક ભીંસમાં મૂકાયા હતા. જેને કારણે તેઓએ ન્યારા ગામના પાટીયા પાસે એસિડ પી લઈ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો
બે મહિનાથી કામધંધો બંધ રહેતા વેપારી આર્થિક ભીંસમાં મૂકાયા
જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક વ્હોરા સોસાયટીમાં રહેતા હિરેન જગજીવનભાઈ ધકાણ (49) નામના સોની વેપારીએ ગત 20 ફેબ્રુઆરીના રોજ ન્યારા ગામના પાટીયા નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારામં શોક છવાઈ ગયો છે. આ મામલે પડધરી પોલીસે પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક હિરેનભાઈ ધકાણ સોની બજારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરતા હતા. જો કે છેલ્લા બે મહિનાથી કામધંધો ચાલતો ના હોવાથી તેઓ આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા હતા. જેનાથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હતુ. હિરેનભાઈના મૃત્યુથી તેમની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
