સૌરાષ્ટ્રમાં ઈંધણ અછતની અફવા ભડકીઃ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી, ખેડૂતો બેરલોમાં ડીઝલ ભરીને સ્ટોક કરવા લાગ્યા

અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનું ટેન્કર આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં ખાલી થવા લાગ્યું. સાવરકુંડલાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી પડતાં તાત્કાલિક વેચાણ બંધ કરી દેવું પડ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 05:04 PM (IST)Updated: Fri, 06 Mar 2026 05:04 PM (IST)
amreli-news-iran-israel-war-fuel-shortage-rumours-trigger-panic-buying-of-petrol-and-diesel-across-gujarat
HIGHLIGHTS
  • યુદ્ધના પગલે ઈંધણમાં તંગીની અફવા ઉડતાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 3 ગણો વધારો
  • મામલતદારની અપીલઃ પેટ્રોલ-ડીઝલનો પુરતો સ્ટોક ઉપલબ્ધ, લોકો અફવાઓથી દૂર રહે

Amreli: ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના પગલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવા ઉડતા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડિઝલ ખરીદવા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે.

કેટલાક લોકો ઈંધણનો સંગ્રહ કરવા કેરબા લઈને પેટ્રોલ પંપો ઉપર પહોંચી રહ્યાં છે, જેના કારણે અફવા વધુ બળવતર બની રહી છે. પેટ્રોલ પંપો ઉપર પણ છેલ્લા બે ત્રણ દિવસથી પેટ્રોલ-ડિઝલનું વેંચાણ બે થી ત્રણ ગણુ વધી ગયું છે.

સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી પડતાં વેચાણ તાત્કાલિક બંધ કરાયું (Fuel Shortage Rumours)

અમરેલી જિલ્લામાં પણ યુદ્ધની ભીતિ વચ્ચે છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી છે. ખાસ કરીને સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી હતી.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ-ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી.

સાવરકુંડલા શહેરમાં ડીઝલ-પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થયો હતો. જેના પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું. ખેડૂતો પોતાના નાના-મોટા મશીનો માટે બેરલ અને કેન ભરાવવા વાહનો સાથે ઉમટી પડતા ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

naidunia_image

જૂનાગઢમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો, લોકો અફવાઓ પર ધ્યાન ના આપે

જૂનાગઢ જિલ્લામાં પણ પેટ્રોલ-ડીઝલનો પુરતો પુરવઠો ઉપલબ્ધ હોવા છતાં કેશોદમાં લોકો અફવાઓથી દોરવાઈને રાતે 11 વાગ્યાથી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી દીધી હતી. આ સંદર્ભે મામલતદાર સંદિપ મહેતાએ જણાવ્યું કે, અત્યારે પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી. બેરલો અને કેરબામાં પેટ્રોલ લઈ જવું ગુનો ગણાય છે. આથી લોકોએ અફવાઓ પર ધ્યાન ના આપે અને બોટલો અને કેરબામાં પેટ્રોલ-ડીઝલ ના લઈ જાય.

વડિયામાં ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલો લઈને ડીઝલનો સ્ટોક ભરવા લાગ્યા (Iran Israel war)

આવી જ રીતે વડિયામાં પણ ડીઝલની અછત સર્જાવાની અફવા ઉડતાં પેટ્રોલ પંપો પર ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલો લઈને ડીઝલ ખરીદવા માટે લાઈનો લગાડી રહ્યા છે.

અત્યારે ખેતીમાં ચણા, ઘઉં અને ધાણાની સિઝન ચાલતી હોવાથી ડીઝલની વધારે જરૂર પડે છે. એવામાં અછત સર્જાવાની શક્યતાને જોતા ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલ લઈને ડીઝલનો સ્ટોક ભરવા લાગ્યા છે. ઘણાં પેટ્રોલ પંપો પર ડીઝલનું ટેન્કર આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં ખાલી થવા લાગ્યા છે.