Rajkot: છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં વિવાદનું કેન્દ્ર બની ગયેલ ગોંડલના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. જેમાં PAASના પૂર્વ કન્વિનર અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ અલ્પેશ કથીરિયાએ રવિવારના રોજ ગોંડલમાં ફરવા માટે આવવાની પોસ્ટ મૂકતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.
બીજી તરફ ગોંડલમાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિ જોતા અને અલ્પેશ કથીરિયાની મુલાકાત સમયે કાંકરીચાળો થાય, તો સ્થિતિ વણસે તેવી દહેશતના પગલે પોલીસ પણ એલર્ટ બની ગઈ છે. ગોંડલમાં ગણેશ જાડેજાના પડકાર બાદ ગબ્બરના હુલામણા નામથી ઓળખાતા અલ્પેશ કથીરિયાના હાઈવૉલ્ટેજ ડ્રામાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.
અલ્પેશ કથીરિયાએ પોતાની ફેસબુક પોસ્ટ શેર કરી છે. જેમાં 'ગોંડલમાં કરો સ્વાગતની તૈયારી' લખ્યું છે. આ ઉપરાંત આગામી 27 એપ્રિલના રોજ રવિવારે આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.
એવામાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેની સામે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમ પણ મેદાનમાં આવી છે.
અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાનો પડકાર ઝીલી કહ્યું કે, અમે આવવા માટે તૈયાર છીએ. ગોંડલ કોઈના બાપ-દાદાની પેઢી નથી. અમારે બાઉન્સરો પોતાની સાથે રાખવા પડતા નથી. ગણેશ જાડેજાની જ્યાં સભા હશે, ત્યાં અમે એકલા જઈશું અને વટથી જઈશું.
વધુમાં અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, હું ગોંડલ આવીશ અને ગોંડલમાં ફરીશ અને દર્શન પણ કરીશ. ગોંડલ ચોકમાં જઈને ચા પીશુ અને ગાંઠિયા પણ ખાઈશું. ગોંડલમાં કેવી લોકશાહી છે અને કેવો માહોલ છે, તે ચેક કરવા આવીશું. આ માટે આખો દિવસ ગોંડલમાં રહીશું.
બીજી બાજુ અલ્પેશ કથીરિયાની પોસ્ટને લઈ ને ગણેશ ગોંડલનાં સમર્થકોમાં પણ રોષ ફેલાયો છે. ગણેશ ગોંડલનાં સમર્થનમાં રવિવારે ગોંડલ પંથકનાં સમર્થકો રવિવારે અલ્પેશ કથીરિયા સામે વિરોધ પ્રદર્શન કરે તેવી સંભવના છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા જૂથ અને અલ્પેશ કથીરિયા,જીગીશા પટેલ, બન્ની ગજેરા વચ્ચે સોશિયલ મીડિયા માં લડાઈ ચાલી રહી છે. બંને જૂથો એકબીજાને પડકાર ફેંકવાની એક પણ તક ચૂકતા નથી.એવામાં રવિવાર ગોંડલ માટે ભારે સાબિત થાય તેવો માહોલ સર્જાયો છે.
