Rajkot: આજે અનંત ચતુર્દશીના દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશની હરખભેર વિદાય થઈ છે. શહેરમાં અનેક જગ્યાએ નાના-મોટા પંડાલ અને ઘરોમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ બાપાનું સ્થાપન થયું હતું. 10 દિવસ સુધી લોકોએ શ્રધ્ધાપૂર્વક ગણેશજીનું પૂજન-અર્ચન કર્યુ હતું.
રાજકોટની આધી-વ્યાધી-ઉપાધી અને વિઘ્ન હરીને આજે ગણપતિ બાપાનું તંત્ર દ્વારા નક્કી કરેલ જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોએ હરખથી વિનાયક દેવને વિદાય આપી હતી અને આવતા વર્ષે ઝડપથી આવવા માટે પ્રાર્થના કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ વિભાગ સાથે જ 108 સહિતની ટીમો સ્થળ પર રાખવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ જેટલી ક્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા ગણપતિ ક્રેનથી પધરાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેના લઈ ફાયર વિભાગ પોલીસ વિભાગના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા.

બીજી બાજુ ગણેશ વિસર્જનને લઇ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયા હતો ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.