Rajkot: ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે બનેલા ફાયરિંગ અને મારામારીના ગુનામાં ફરાર રહેલા એક આરોપીને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રીબડા ગામે આવેલી તેની વાડીમાંથી આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સડક પીપળીયા ગામે ફાયરિંગ અને મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે અગાઉ એક બાળઆરોપી સહિત કુલ પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે આ ગુનામાં સંડોવાયેલો ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે. રીબડા, પોલીસ પકડથી દૂર હતો.
આ દરમિયાન પોલીસને ખાનગી રાહે હકીકત મળી હતી કે, ફરાર આરોપી ધ્રુવરાજસિંહ જાડેજા રીબડા ગામે આવેલી પોતાની વાડીમાં છે. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી વાડીમાંથી તેને ઝડપી પાડ્યો હતો.
સડક પીપળીયા ગામે બનેલા ફાયરિંગ અને મારામારીના આ ગુનામાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ એક આરોપી ઝડપાતાં પોલીસની તપાસમાં મહત્વની કડી મળી છે. હાલ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
