Rajkot: રાજકોટના વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, રિંગ રોડ-2 ફૉરલેન બનાવવા માટે રૂ. 80 કરોડના ખર્ચને મંજૂરી

RUDAના કામ આગળ ધપાવવા ચેરમેન ડીપી દેસાઈએ ટેન્ડર બહાર પાડ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 04:45 PM (IST)Updated: Tue, 01 Oct 2024 04:45 PM (IST)
rajkot-news-for-construction-of-ring-road-2-forelane-rs-80-crore-sanctioned

Rajkot: રાજકોટ શહેરની વસ્તી અને વ્યાપ વધવાની સાથો સાથ છેવાડાના ગામોનો રાજકોટમાં સમાવેશ થતાં હવે મુખ્ય રસ્તાઓ સાંકળા પડવા લાગ્યા છે. વર્ષો પહેલા 150 ફૂટ રીંગ રોડ બનાવવામાં આવેલ, પરંતુ હવે તેના ઉપર ભારણ વધતા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હવે રિંગરોડ-2 ને ફોરલેન બનાવવા માટે 80 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મનપાના કમિશનર ડી.પી. દેસાઈએ રૂડાના કામો હાથ ઉપર લઈ ઝડપથી પૂર્ણ કરવાની કટિબદ્ધતા સાથે તંત્રને દોડતું કર્યુ છે. શહેરના મધ્યમાંથી પસાર થતાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા તેમજ છેવાડાના વિસ્તારો દિવસે દિવસે વધવા લાગતા રિંગરોડ-2 તૈયાર કરવામાં આવ્યો છે.

ફેઝ-1, ફેઝ-2 અને 3ના કામ પૂર્ણ થઈ ચુક્યા છે તેમજ ફેઝ-4નું કામ પણ પુરજોશમાં ચાલુ છે, પરંતુ આ રોડ ભંગાર હાલતમાં અને સિંગલ લેન હોવાના કારણે ગોંડલ રોડથી જામનગર રોડ તરફનો ટ્રાફિક આ રોડ ઉપર વળતા અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.

અગાઉ આ રોડ ફોરલેન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રૂડાના ચેરમેનોની અવાર નવાર બદલી થતાં તેમજ સ્ટાફના અભાવે આજ સુધી કાર્યવાહી થઈ શકી ન હતીં.. જ્યારે મહાનગરપાલિકાની હદમાં આવતા રીંગરોડ-2ને અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ફોરલેન કરવામાં આવ્યો છે અને RUDA દ્વારા થતી કામગીરી આજ સુધી બાકી હતી.

એવામાં નવા ચેરમેન ડી.પી. દેસાઈએ પેન્ડીંગ રહેલા કામોની ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરી લોકોને જરૂરી હોય તેવા પ્રોજેક્ટો તુરંત હાથ લેવા માટેની સુચનાઓ આપી હતી. જે અંતર્ગત સૌ પ્રથમ રીંગરોડ-2ને ફોરલેન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન ડી.પી. દેસાઈના જણાવ્યા મુજબ, લોકોને આવાસ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ સામાજીક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તેવા આશયથી તેને લગતા પ્રોજેક્ટોને હાથ ઉપર લેવામાં આવ્યા છે. હવે રીંગરોડ-2ને ફોરલેન બનાવવા માટે રૂા. 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, હાલ અનેક પ્રોજેક્ટ ઉપર કામગીરી ચાલુ છે, પરંતુ શહેરી વિકાસ સત્તા મંડળ પાસે સ્ટાફ ઓછો હોવાના કારણે કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આમ છતાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે હવે જરૂરી તમામ પ્રોજેક્ટોના ટેન્ડર કરવામાં આવશે. તેમજ ટેન્ડર પૂર્ણ થયા બાદ રીંગરોડ-2 ફોરલેન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.