Rajkot: રાજકોટમાં દેશી દારૂમાં ફલેવર્સ મેળવીને વેચવાના રેકેટેનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી માંડા ડુંગર પાસે પીઠડઆઈ સોસાયટીમાં ચાલતા આ દેશી દારૂના કારખાના સાથે કોળી શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે તેનો સાગરિત ફરાર થઈ ગયો હતો. પીસીબીએ 114 લીટર દેશી દારૂ અને વિવિધ ફલેવર્સ તથા દેશી દારૂના પાઉચ બનાવવાના સાધનો સહિત રૂા.24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સૂચનાને પગલે પોલીસ ઠેર-ઠેર દરોડા પાડી રહી છે, ત્યારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, માંડાડુંગર પાસે એક શખ્સ મકાનમાં દેશી દારૂમાં ફલેવર ઉમેરી તેના પાઉચ બનાવીને ઘરમાં જ કારખાનું ચાલુ કરી વેચી રહ્યો છે. જેને પગલે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો.
શિવાજીનગર શેરી નં.12 ચુનારાવાડ ચોકમાં રહેતા ભુપત દાના જાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભૂપતની પુછપરછમાં તેની સાથે આ રેકેટમાં મહેશ કરમશી ડાભીની સંડોવણી હોવાનું કબુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
માંડાડુંગર નજીક આવેલ પીઠડ આઈ સોસાયટી શેરી નં.1માં આવેલા મકાનમાં ભૂપત અને મહેશ બન્ને દેશી દારૂના આડમાં ફલેવર્સવાળો દારૂ બનાવી વેચતા હતાં. દેશી દારૂના જથ્થામાં ઓરેન્જ અને વરિયાળી ફલેવર્સ ઉમેર્યા બાદ તેના નાના પાઉચ બનાવીને ફલેવર્સ વાળો દારૂ વેચતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ મકાનમાંથી 114 લીટર દેશી દારૂ અને પાઉચ બનાવવાના મશીન સહિતના સાધનો કબજે કર્યા હતાં. દેશી દારૂના બંધારણીઓને ફલેવર્સ વાળો દારૂ વેચતા ભુપતની વધુ પુછપરછ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
