Morbi: લીલાપર નજીક કિયા કાર ભડભડ સળગી ઉઠી, બહાર ન નીકળી શકતાં સિરામિક ઉદ્યોગપતિ જીવતા ભૂંજાયા

ફાયર બ્રિગેડની ટીમે બારીના કાચ તોડીને ઉદ્યોગપતિનો મૃતદેહ બહાર ખેંચીને કાઢ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 04:09 PM (IST)Updated: Tue, 01 Oct 2024 04:09 PM (IST)
morbi-news-kia-car-caught-fire-ceramic-industrialist-burn-to-death

Morbi: મોરબીના લીલાપર કેનાલ રોડ પર અગમ્ય કારણોસર કિયા (KIA) કંપનીની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કારમાં સવાર સિરામિક ઉદ્યોગપતિ જીવતા ભડથું થઈ ગયા છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લીલાપર ગામ નજીક આજે બપોરના સમયે એક કિયા સેલ્ટોસ કાર ભડભડ સળગી ઉઠી હતી. જેના કારણે કારમાં બેઠેલા અજયભાઈ ગોપાણી (39) બહાર ના નીકળી શકતાં તેઓ ઘટના સ્થળે જ ભડથું થઈને મોતને ભેટ્યા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદ અજય ગોપાણીના મૃતદેહને 108 મારફતે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં કારની અંદરથી રૂ. 5 લાખ રોકડા, 8 મોબાઈલ, મોંઘી ઘડિયાળ, સોનાની વિંટી, પિસ્તોલ ઉપરાંત અન્ય નાની-મોટી ચીજવસ્સુઓ મળી આવી હતી, જે અજયભાઈના પિતરાઈને સોંપવામાં આવી છે.

હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળી શક્યું. જો કે સ્થાનિકોનું કહેવું છે કે, જ્યારે કારમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે કારના કાચ તોડીને અજયભાઈનો મૃતદેહ ખેંચીને બહાર કાઢ્યો હતો. હાલ તો આગનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.