Rajkot: ગણેશ મહોત્સવ-2025 નિમિત્તે રાજકોટ શહેરમાં જુદા જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા ધાર્મિક સંગઠનો તરફથી વિવિધ લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ઘરમાં, દુકાનોમાં અને સંસ્થાઓ દ્વારા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે નક્કી કરેલ સ્થળે જ વિસર્જન કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ સૂચન કર્યું છે.
ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિ વિસર્જન દરમ્યાન વાહન ચાલકો, રાહદારીઓ તેમજ મહોલ્લામાં રહેતા રહીશોને કોઇ પણ રીતે ત્રાસ કે તકલીફ ન થાય, પર્યાવરણની જાળવણી થાય, જળ સ્ત્રોતોમાં પ્રદુષણ અટકે, જળ સૃષ્ટિ પર કોઇ વિપરીત અસર ન થાય, જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગણેશ મુર્તિ વિસર્જન માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા ચીફ ફાયર ઓફીસર દ્વારા અપીલ કરી છે.
ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે નક્કી કરેલ જગ્યામાં આજી ડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1, આજી ડેમ ઓવર ફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 2, આજી ડેમ ઓવર ફલો ચેક ડેમ, પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ,બાલાજી વેફર્સની સામે, વાગુદડ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ ખાતે કરવા જણાવ્યું છે. આ સ્થળો ઉપર તંત્ર દ્વારા તરવૈયા, બોટ, બચાવ-રાહત ટુકડી, ક્રેઈન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢવા ઉપર તથા કોઇ પણ આયોજક/વ્યકિતઓએ આર.એમ.સી દ્વારા નક્કી કરેલ સ્થળો સિવાય પીવાના પાણી અન્ય વપરાશ માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે અન્ય કોઇ સ્થળોએ ગણેશજીની મુર્તિ કે અન્ય કોઇ મૂર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મુર્તિને સુશોભિત કરેલ હાર, ફુલ, વસ્ત્રો તેમજ અન્ય તમામ વસ્તુઓને કાઢી લીધા બાદ જ મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે, મુર્તિ વિસર્જનવાળી જગ્યા તળાવો, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર (પાથરવાનું કપડું) ગોઠવવાનું રહેશે, મુર્તિ વિસર્જનવાળી જગ્યા તળાવ, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર રાખવામાં આવેલ હોય તેને મુર્તિ વિસર્જન બાદ 48 કલાક પહેલા વિસર્જીત થયેલ મુર્તિ સાથે બહાર કાઢી લેવાનું રહેશે અને તળાવો, ખાણ તથા નદીમાં લાઇમ (ફટકડી) નાખી ચોખ્ખાઇ જળવાઇ તે અંગે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ધ્વનિ પ્રદુષણ અંગેના માન્ય ધોરણો મુજબ જ ગણેશ સ્થાપના સ્થળે તેમજ વિસર્જન દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ, સીસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા ઉપર, મુર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઇ જવા ઉપર, ગણેશ મહોત્સવ દરમ્યાન/ગણેશ વિસર્જન દરમ્યાન બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત કે સંગીત કે ભાષણો કે પ્રવચનો વગાડવા ઉપર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા ઉપર, કોઇ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ડેકોરેશન કરવા બાબતે તથા જાહેર માર્ગ ઉપર સામાન્ય ટ્રાફિકને અડચણ કરવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.