Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO મનસુખ સાગઠિયા સામે મની લૉન્ડરિંગની તપાસ થશે

મનસુખ સાગઠિયા ક્લાસ વન કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મૂકવી જરૂરી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 05:01 PM (IST)Updated: Wed, 02 Jul 2025 05:01 PM (IST)
rajkot-news-ed-to-probe-against-tpo-mansukh-sagathia-in-trp-game-zone-fire-incident
HIGHLIGHTS
  • રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર
  • ED તપાસની મંજૂરી આપી હોય તેવા રાજકોટ મનપાના પ્રથમ અધિકારી

Rajkot: રાજકોટના TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી થઈ છે, તત્કાલિન TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલી વધી છે અને EDએ RMC પાસે ગુનો નોંધાવા મંજૂરી માંગી હતી. આજે મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. હવે જનરલ બોર્ડમાં મંજુરી આપ્યા બાદ કાયદેસરની ફરિયાદ દાખલ થશે.

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તપાસને બહાલી આપવામા આવી હતી. સાગઠિયા વર્ગ 1નો કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મૂકવી જરૂરી હતી. આજે સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપી દીધી છે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાપાલિકાની મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સસ્પેન્ડ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયા સામે મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપવા ઠરાવ મૂકાયો હતો. ક્લાસ વન અધિકારી સામે કોઈ પણ કાર્યવાહી પહેલા સ્ટેન્ડિંગની મંજૂરી લેવાની થતી હોય આ દરખાસ્ત ચર્ચામાં લેવાઈ હતી. કલમ 4 હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી હતી. સાગઠીયા હાલ સસ્પેન્ડ થઈ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમની સામે મની લોન્ડરિંગ પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

હવે રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમા મની લોન્ડરીંગ સહીતના મુદે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા તપાસ કરવામા આવશે અને આ તપાસ બાદ અનેક પ્રોજેકટોમાથી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા દ્વારા કેટલી નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે, તે અંગે પણ અનેક નવા ખુલાસાઓ થશે.

ઉલ્લેખનીય છે કે ઇડીની તપાસની મંજુરી આપી હોય તેવા મનસુખ સાગઠિયા રાજકોટ મનપાનાં પ્રથમ અધિકારી છે.