Rajkot: રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર ટાણે જ અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, મારમારી સહિતની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. શહેરીજનો શાંતિથી તહેવારો ઉજવી શકે, તે માટે પોલીસે રાત્રી પેટ્રોલિંગ વધાર્યું હોવા છતાં કાલાવડ રોડ પર મેગીની દુકાનમાં દારૂડિયાઓની ધમાલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બળવંતભાઈ રાજા (50) કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે બાલાજી મેગી નામે દુકાન ધરાવીને ધંધો કરે છે. ગઈકાલે રાતે પોણા 2 કલાકે તેઓ પોતાની દુકાનમાં હતા. આ સમયે 6 જેટલા યુવકો દારૂના નશામાં ધૂત થઈને તેનની દુકાનમાં આવ્યા હતા અને મેગીનો ઓર્ડર આપ્યો હતો. જો કે ઓર્ડર આવવામાં મોડું થતાં તેઓ બીજા ગ્રાહકોને ગાળો આપવા લાગ્યા હતા. આથી બળવંતભાઈએ ગાળો બોલવાની ના પાડતા માથાકૂટ થઈ હતી. આ સમયે એક ઈસમે છરી વડે હુમલો કરીને બળવંતભાઈના હાથનો અંગૂઠો કાપી નાંખ્યો હતો.
બીજી તરફ શહેરના ભગવતીપરામાં રહેતા જીગર ગોગરા (30) ગત રાતે પોણા 2 કલાકે કાલાવડ રોડ પર આવેલ બાલાજી મેગીમાં હતો. આ સમયે બળવંત, ઘનશ્યામ, વિપુલ, હાર્દિક સહિત અજાણ્યા ઈસમોએ માથામાં છરી ઝીંકી દેતા ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત જીગરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જીગરે આક્ષેપ કરતાં જણાવ્યું કે, ગઈકાલે કૌટુંબિક ભાઈ વરુણ જીલરીયા, મિત્ર શોએબ સહિતના મિત્રો જમવા માટે બાલાજી મેગીમાં ગયા હતા. જ્યાં ઓર્ડર આપવાને અડધો કલાક થવા છતાં જમવાનું ન મળતા ત્યાંના સંચાલક બળવંતભાઈને પૂછ્યું હતુ. જેથી તેમણે માથાકૂટ કરીને હુમલો કર્યો હતો.
આ મામલે રાત્રીના સમયે માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર. દેસાઇ અને ટીમે પહોંચી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
