Rajkot: રાજકોટના વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. આ આક્ષેપો ખુદ ભાજપના જ કાર્યકર્તા કમલેશ ગોસાઈ દ્વારા કરવામાં આવ્યા છે. કમલેશ ગોસાઈનો દાવો છે કે, નરેન્દ્ર ડવે ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે પૈસા લીધા તેમ છતાં બાંધકામ તોડી પાડવામાં આવ્યું.
કમલેશ ગોસાઈએ જાહેરમાં કોર્પોરેટર નરેન્દ્ર ડવ પર તેમના બાંધકામને તોડતા અટકાવવાના વચન સાથે રૂપિયા 4 લાખ લીધા હોવાનો આરોપ મૂક્યો છે. જો કે પૈસા લીધા હોવા છતાં, બાંધકામ પાછળથી તોડી પાડવામાં આવ્યું હતું. જેના કારણે ગોસાઈ છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે અને તેમણે આ મામલો જાહેરમાં લાવવાનો નિર્ણય કર્યો.
ગોસાઈએ વધુમાં જણાવ્યું કે, તેઓ એકલા નથી. મારા જેવા ઓછામાં ઓછા 40 જેટલા અન્ય લોકો છે જેમની પાસેથી કોર્પોરેટર નરેન્દ્ર ડવે બાંધકામ સંબંધિત પૈસા લીધા છે. આ નિવેદને સ્થાનિક રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવ્યો છે, જે ભ્રષ્ટાચારના સંભવિત વ્યાપક સ્વરૂપનો સંકેત આપે છે.
