રાજકોટ-જેતપુર હાઈવેના અધૂરા કામથી લોકોને હાલાકી, NHAI કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ; પ્રોજેક્ટ ડાયરેક્ટરનું પૂતળું બાળ્યું

સૌરાષ્ટ્રમાં નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સમાં કામગીરી પૂર્ણ કર્યાં વિના ઉઘરાવાત ટોલટેક્સ અને મુખ્ય રસ્તાઓ તેમજ સર્વિસ રોડની ખરાબ હાલતને લઈને કોંગ્રેસનું પ્રદર્શન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 05:15 PM (IST)Updated: Wed, 02 Jul 2025 05:15 PM (IST)
rajkot-news-congress-protest-for-incomplete-work-of-jetpur-highway
HIGHLIGHTS
  • કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર સુત્રોચાર સાથે NHAI ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
  • આ રોડ પરથી દરરોજ 2 થી 3 લાખ વાહનો પસાર થાય છે

Rajkot: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા સિક્સ-લેનના કામને કારણે હજારો વાહનચાલકોને પડી રહેલી પારાવાર હાલાકી મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અધિકારીઓને ઢંઢોળવા માટે આજે કોંગ્રેસે NHAIની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.

કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રોજેક્ટ ડાયરેક્ટરનું પૂતળું બાળી આક્રોશ ઠાલવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સમાં કામગીરી પૂર્ણ કર્યા વગર ઉઘરાવાતા ટોલટેક્સ અને મુખ્ય રસ્તાઓ તેમજ સર્વિસ રોડની ખરાબ હાલત અંગે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હાલના સમયમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ નેશનલ હાઈવે NH-27 (રાજકોટ-જેતપુર માર્ગ) પર ચાલી રહેલા સિક્સ-લેનના માર્ગ વિકાસના કામને કારણે અસંખ્ય નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઈવે માત્ર બે શહેરોને જોડતો માર્ગ નથી, પરંતુ રાજ્યના આર્થિક, ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસ માટે જીવાદોરી સમાન છે. આ માર્ગ રાજ્યના પશ્ચિમ ભાગથી આંતરરાજ્ય સંચાર અને વેપાર માટે કડીરૂપે કાર્ય કરે છે, જેનું બાધિત થવું ગુજરાતના વિકાસલક્ષી એજન્ડા સામે વિઘ્નરૂપ બને છે.

દરરોજ આશરે 2 થી 3 લાખથી વધુ વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. છતાં હાલમાં માર્ગ નિર્માણના કાર્યના કારણે અને કામ કરતી એજન્સી તેમજ NHAIના અયોગ્ય આયોજન, NHAIના નિયમોનો ભંગ અને લોકલ ટ્રાફિક તંત્રના અભાવને કારણે સૌરાષ્ટ્રવાસીઓને અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે. આ બાબતે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટથી જેતપુરનું અંતર 70 કિમી છે. આ દરમિયાન બે ટોલ બૂથ આવેલા છે, જેમાં એક કારચાલક પાસેથી રૂ. 45-45 ઉઘરાવાઈ રહ્યા છે. બંને ટોલ બૂથની વાર્ષિક આવક આશરે રૂ.140 કરોડ છે, પરંતુ વાહનચાલકો આજે પણ સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત છે. ભરૂડી ટોલ બૂથની વાર્ષિક અંદાજિત આવક રૂ.100 કરોડ આસપાસ છે, જ્યારે પીઠડ ટોલ બૂથની અંદાજિત વાર્ષિક આવક રૂ. 40 કરોડ આસપાસ છે. જોકે, આમ છતાં દર વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે આ રસ્તાનું ધોવાણ થઈ જાય છે અને ટોલ ટેક્સ પૂરતો આપવા છતાં વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા પણ મળી શકતી નથી.

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રસ્તાની સ્થિતિ પણ અતિ ખરાબ છે, જે તાકીદે સુધારવામાં આવે તેવી માંગ છે. ગોંડલ ચોકડીના પુલ નીચે આવેલી જગ્યાઓ ઉપર બિનજરૂરી ગાર્ડન બનાવેલા છે, જેથી દુકાનધારકોના અને અન્ય લોકોના વાહનો રોડ ઉપર પાર્ક થવાથી ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આથી પુલ નીચેથી જાળીઓ હટાવીને પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવે અને રાજકોટ-જેતપુર સિક્સ-લેન હાઈવેની કામગીરી ચાલુ છે ત્યારે જે ડાઈવર્જન રોડ બનાવ્યો છે તેની સ્થિતિ ખરાબ હોવાથી તેની મરામત મજબૂતાઈથી કરીને બંને સાઈડ પર બે-બે લેનનો સ્મૂથ ટ્રેક ઊભી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.