Rajkot: નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘાડવા કોંગ્રેસ અને ગ્રામજનોનો અનોખો વિરોધ, કોઝવે માટે 'શ્રીરામ' લખેલા પથ્થરથી રામસેતુ બનાવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Sep 2024 07:31 PM (IST)Updated: Sat, 21 Sep 2024 07:31 PM (IST)
rajkot-news-congress-and-villager-protest-against-bjp-and-make-ram-setu

Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈને તૂટી ગયો છે. જેના કારણે ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવેને રિપેર કરવા અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ના આવતા કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

રામાયણમાં જેમ ભગવાન શ્રીરામને લંકા જવા માટે વાનરસેનાએ 'શ્રી રામ'ના પથ્થરો મૂકીને પૂલ બનાવ્યો હતો. તેવી જ રીતે કોંગ્રેસના કાર્યકરો અને ગ્રામજનોએ 'શ્રી રામ' લખેલા પથ્થરો નદીમાં મૂક્યા હતા.

કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, શ્રી રામ લખેલા પથ્થરથી જો લંકા જવા માટે પૂલ બની જતો હોય, તો ભગવાન હવે આ કોઝ વે બનાવે. બાકી આ ભ્રષ્ટાચારી તંત્ર ક્યારેય અહીં પૂલ નહીં બનાવે. આ દરમિયાન કોંગ્રેસ નેતા તેમજ ગ્રામજનો દ્વારા 'રઘુપતિ રાઘવ રાજારામ, ભાજપ કો સન્મતિ દે ભગવાન'ની ધૂન પણ બોલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2021માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા કોઝવે કમ ચેકડેમ પાસ કરવામાં આવ્યો હતો. જો કે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો કોઝવે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગામમાં આવતી એસ.ટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગામના બાળકોને સ્કૂલે જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે સ્થાનિકો દ્વારા કોઝવેનું આયુષ્ય વધે તે માટે તેમાં પાકું કામ થાય તે માટે અપીલ કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવા છતાં તેને બનાવવામાં નથી આવ્યો. જેના કારણે કોંગ્રેસ અને ગ્રામજનો દ્વારા તંત્રની આંખો ઉગાડવા માટે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.