Rajkot: મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોની સુખાકારી માટે કોમ્યુનિટી હોલ અને લગ્નહોલનું નિર્માણ કર્યુ છે. જ્ઞાતિના ભેદ ભાવ વગર તમામ પરિવારો પોતાના પ્રસંગો માટે મનપાના લગ્ન હોલ બુકી કરી શકે છે, પરંતુ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને અન્ય વિભાગોમાં ફરજ બજાવતા સફાઇ કામદારો દ્વારા તેમનો અલાયદો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
આ મુદ્દે માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરેલ જેના પગલે માનવ અધિકાર આયોગે મહાનગરપાલિકાને સૂચના આપતા જામનગર રોડ પર ફકત સફાઇ કામદારો માટેનો કોમ્યુનિટી બનાવવાનો નિર્ણય લીધો છે. અને રૂા.7.62 કરોડના ખર્ચે લગ્ન હોલ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે.
મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સફાઇ કામદાર યુનિયન દ્વારા લગ્ન બનાવવા માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ આ મુદ્દે માનવ અધિકાર આયોગમાં પણ મુદ્દો ઉઠાવેલ હતો. જેના પગલે માનવ અધિકાર આયોગે સૂચના બાદ મહાનગરપાલિકાએ તમામ સફાઇ કામદારો માટે અલગથી લગ્ન હોલ બનાવવાનો નિર્ણય લીધો છે.
જામનગર રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની કચેરીની સામે આવેલા મનપાના ખાલી પ્લોટ ઉપર રૂા.7.62 કરોડના ખર્ચે આદ્યુનિક લગ્ન હોલનુ નિર્માણ કરવામાં આવશે જેનુ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મેળવી હોલનુ કામ શરૂ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના હાલમાં કાર્યરત 23 લગ્ન હોલમાં સફાઇ કામદારો દ્વારા પણ બુકિંગ કરવામાં આવી રહ્યુ છે. લગ્નની સિઝનમાં તમામ હોલ ફૂલ થઇ જતા હોય સફાઇ કામદારો માટેનો નવો લગ્ન હોલ બનતા હાલના લગ્ન હોલ ઉપરનુ ભારણ ઓછુ થશે તેમજ સિઝન દરમિયાન એક જ તારીખમાં અનેક લગ્નો હોવાના કારણે અનેક પરિવારો બુકિંગમાં વંચિત રહી જતા હોય આગામી દિવસોમાં વધુમાં વધુ પરિવારનો લગ્ન હોલનો લાભ મળશે. તેમ બાંધકામ વિભાગે જણાવ્યું હતું.