રાજકોટની PDU હોસ્પિટલની 'ડિજિટલ બેદરકારી': ઑનલાઈન પોર્ટલમાંથી નંબર હટાવવા માટે સિસ્ટમ સામે ઢોલ વગાડીને લડત

નિવૃતિના 7 મહિના બાદ પણ પોર્ટલમાં પોતાનો મોબાઈલ નંબર યથાવત રહેતા પૂર્વ RMOની માનસિક ત્રાસ અંગે ઢોલના ધબકારે રજૂઆત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 May 2026 05:35 PM (IST)Updated: Wed, 20 May 2026 05:35 PM (IST)
rajkot-news-civil-pdu-hospital-digital-negligence-former-rmo-beat-drum-for-remove-his-name-in-online-portal
HIGHLIGHTS
  • પોલીસ અને સગાઓ સાથે બોલાચાલી થતી હોવાના ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે મોકલ્યા

Rajkot: રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા તબીબનું નામ હજુ પણ સરકારી ઓનલાઈન એપ્લિકેશન્સ અને પોર્ટલ પરથી દૂર ન કરવામાં આવતા નિવૃત્ત તબીબ ભારે માનસિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે પૂર્વ RMO ડો. મહેન્દ્ર ચાવડાએ ઓનલાઈન એપ્લિકેશન્સ અને પોર્ટલ પરથી પોતાનો મોબાઈલ નંબર હટાવવા બાબતે ઢોલ નાદ કરી PDU હોસ્પિટલના તબીબી અધિક્ષકને એક લેખિત રજૂઆત કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

PDU હોસ્પિટલના પૂર્વ RMP ડો. મહેન્દ્ર ચાવડાના જણાવ્યા અનુસાર, તેઓ સરકારી નિયમો મુજબ ગત તારીખ 31 ઓક્ટોબર, 2025ના રોજ પી.ડી.યુ. હોસ્પિટલમાંથી વયનિવૃત્ત થઈ ચૂક્યા છે અને હાલ ત્યાં કોઈ ફરજ બજાવતા નથી. આમ છતાં સરકારની મહત્વની ઓનલાઈન સિસ્ટમ્સ જેવી કે, PMJAY, REDએપ્લિકેશન, GEM વેબસાઈટ સહિતની જગ્યાઓ પર હજુ પણ તેમનું નામ અને મોબાઈલ નંબર બદલવામાં આવ્યા નથી.

સરકાર દ્વારા અકસ્માતના ફરજિયાત કેસો ’IRED એપ્લિકેશન’ પર અપલોડ કરવામાં આવે છે. આ સાઇટ પર ડો. ચાવડાનો નંબર હોવાના કારણે પોલીસ કર્મચારીઓ તેમજ દર્દીઓના સગા-વ્હાલાઓ રાત-દિવસ તેમને ફોન કરીને કનડગત કરે છે.

સ્વર્ગસ્થ ભાઈના બારમાની ધાર્મિક વિધિ વખતે પોલીસના સતત ફોન આવ્યા

પોલીસ કેસની સંપૂર્ણ ઓનલાઈન કામગીરી માટે દર્દીઓની માહિતી જરૂરી હોય છે, પરંતુ ડો. ચાવડા હવે ફરજ પર ન હોવાથી આ માહિતી આપવામાં અસમર્થ છે. આ કારણે પોલીસ અને સગાઓ સાથે અવારનવાર ઘર્ષણ અને બોલાચાલી થાય છે, જેના ઓડિયો રેકોર્ડિંગ પણ તેમણે પુરાવા તરીકે મોકલ્યા છે.

પૂર્વ RMO ડો. ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, આ બાબતે અગાઉ રૂબરુ, ફોન તથા વોટ્સએપ દ્વારા અનેક વખત તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ પણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. માકડિયાનો સંપર્ક કરતા તેઓએ નંબર બદલી જશે તેવુ જણાવ્યુ હતું. જો કે હજુ નંબર બદલ્યા નથી. હદ એ થઈ ગઈ છે કે, ડો. ચાવડાના સ્વર્ગસ્થ ભાઈનું 12મું હતું અને ધાર્મિક વિધિ ચાલતી હતી ત્યારે પણ પોલીસના સતત ફોન આવી રહ્યા હતા.

હોસ્પિટલના આર.એમ.ઓ. (RMO) નો સંપર્ક કરવા કહેવામાં આવે છે, ત્યારે ત્યાંથી એવો ઉડાઉ જવાબ મળે છે કે 'આ કેન્સર હોસ્પિટલનો નંબર છે કે ઇન્ક્વાયરી નંબર નથી, પોલીસને પૂછો.' પત્રમાં આકરા શબ્દોમાં નોંધવામાં આવ્યું છે કે, હોસ્પિટલ તંત્રના આવા વલણને કારણે પોલીસ, સામાન્ય પબ્લિક અને સરકાર ત્રણેય હેરાન થઈ રહ્યા છે તેમજ યોજનાના લાભાર્થીઓને સમયસર યોગ્ય વળતર મળતું નથી, જેનાથી સરકારની કામગીરીની ટીકા થાય છે.