રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભ્યાઃ ઈંધણના વધતા ભાવ અને મંદીના બેવડા મારના પગલે 40 ટકા ધંધો ચોપટ

મંદીના કારણે માલની હેરફેર ઘટી જવાથી ટ્રકોને પાર્કિંગમાં ઉભા રાખવા પડી રહ્યા છે. જેના કારણે માલિકોને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 May 2026 04:47 PM (IST)Updated: Wed, 20 May 2026 04:47 PM (IST)
rajkot-news-40-percent-of-transport-industry-business-down-due-to-rising-fuel-prices-and-recession
HIGHLIGHTS
  • દરરોજ 5 હજાર માલવાહક વાહનોની અવરજવર સામે અત્યારે 2 હજાર ટ્રક કાર્યરત

Rajkot: વૈશ્વિક કટોકટીના સમયમાં વિશ્વભરની અર્થવ્યવસ્થાને હાલ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. જેના પરિણામ સ્વરૂપે હાલ મંદીનો માહોલ પણ જોવા મળ્યો છે. બીજી તરફ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે વધારો જોવા મળ્યો છે, તેનાથી વિવિધ ઉદ્યોગને નકારાત્મક અસર થઈ રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મંદીનો સામનો કરવો પડ્યો છે.

હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવે તો, રાજકોટમાંથી પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં ટ્રક તથા માલવાહક વાહનો વિવિધ રાજ્યોમાં અવરજવર કરતા હતો. જો કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે.

ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી અને વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં વ્યાપાર આશરે 40 ટકા સુધી ઘટી ચૂક્યો છે. આ સ્થિતિ ક્યારે સુધરશે તેનો કોઈ જ અંદાજ નથી. જો આ પરિસ્થિતિ યથાવત એક સપ્તાહ સુધી પણ જોવા મળી તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તો પણ નવાઈ નહીં.

રાજકોટમાં 800 જેટલા ટ્રાન્સપોર્ટરોનો ધંધો ચોપટ થયો

હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ, શહેરમાં 800 જેટલા ટ્રાન્સપોર્ટરોનો ધંધો ચોપાટ થઈ ચૂક્યો છે. શહેર અને જિલ્લામાં મળી આશરે 5,000થી વધુ ટ્રક અને અન્ય માલ વાહક વાહનો જે નિયમિત ચાલતા હતા, તે પૈડા ખંભી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અત્યારે માત્ર 2000 જેટલા જ વાહનો રોડ પર દોડતા જોવા મળ્યા છે. જેનો મતલબ એ છે કે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે. બાકીના વાહનોને કામ ન મળતાં પાર્કિંગમાં ઊભા રાખવા પડે છે, જેના કારણે માલિકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

હાલની સ્થિતિ જોઈએ તો, વિવિધ રાજ્યોમાંથી જે માલની આવક થતી હતી, તેમાં ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે. જેની સીધી જ અસર ટ્રાન્સપોર્ટ ઉપર થાય છે. ત્યારે તે વાત સ્પષ્ટ છે કે, રાજકોટના ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર બેઠી છે.

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પડ્યા પર પાટું સમાન

અત્યારે અન્ય રાજ્યોમાંથી જ માલની આવક પર બ્રેક લાગી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઘણીખરી અસર પડી છે. ઓર્ડરમાં ઘટાડો અને બજારમાં મંદીના કારણે માલની હેરફેર ઘટી ગઈ છે. જેના પરિણામે ટ્રકોને પૂરતું કામ મળતું નથી. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે માથાના દુખાવા સમાન છે.

વૈશ્વિક સંકટ વચ્ચે ડીઝલનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નબળું હોવાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ 20 થી 25 લિટર ડીઝલ ટ્રકને આપવામાં આવે છે, જે પર્યાપ્ત નથી. જો 300 થી 500 લીટર ડીઝલ ટ્રકને આપવામાં આવે તો જ તે કાર્યરત રહી શકે.

અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જે જથ્થો મળવો જોઈએ તે મળી શકતો નથી, જેના પરિણામ સ્વરૂપે હાલ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગેલી છે. જો આ સ્થિતિ આવનારા દિવસોમાં નિવારવામાં નહીં આવે તો ખૂબ મોટી અને વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકશે.