Jamnagar Suicide: આજની ઝડપી જીવનશૈલી અને માનસિક તણાવના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં CAનો અભ્યાસ કરતી 23 વર્ષીય વિદ્યાર્થિનીએ 10માં માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે.
લિફ્ટથી 10 માળે પહોંચ્યા બાદ નીચે પડતુ મૂક્યુ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટના 10માં માળેથી આજે સવારે એક અજાણી યુવતીએ અચાનક પડતુ મૂક્યું હતુ. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચકાસ્યા બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.
જે બાદ ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી. એપાર્ટમેન્ટના CCTV ફૂટેજમાં યુવતી લિફ્ટ દ્વારા 10માં માળ સુધી જતી જોવા મળી હતી. જે બાદ તેણીએ બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ શહેરના કલ્યાણી ચોક સ્થિત ડેલી વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ પારેખ (23) તરીકે થઈ છે, જે ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરતી હતી. મૃતક યુવતીનો પરિવાર કેદારનાથની યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન જ દીકરીએ અંતિમ પગલું ભરી લેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ. હાલ તો દ્રષ્ટિએ ડિપ્રેસનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં દરરોજ 25 જેટલા લોકો આપઘાત કરે છે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2025માં અલગ-અલગ કારણોસર ગુજરાતમાં 8934 લોકોએ આપઘાત કર્યો હતો. આ પ્રમાણે જોઈએ તો, દરરોજ સરેરાશ 24 થી 25 લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આપઘાત કરનારામાં પુરુષોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. જેમાં કુલ આપઘાતના 71 ટકા તો માત્ર પુરુષો જ છે, જ્યારે 29 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18 થી 45 વયના લોકોમાં આપઘાતનું પ્રમાણ 60 થી 65 ટકા નોંધાયો હતો.
