'ચાલો રીબડા..' અનિરુદ્ધસિંહના સમર્થનમાં પાંચમીએ શક્તિ પ્રદર્શન, ગુજરાતના ખૂણે-ખૂણેથી રાજપૂત-ક્ષત્રિયોને એકઠા થવાનું આહવાન

એક રાજપૂત એક ક્ષત્રિયની નૈતિક ફરજ સમજી આપણા પરિવારનો જ પ્રશ્ન છે, તેમ સમજી રીબડા ખાતે એટલી સંખ્યામાં ભેગા થવાનું છે કે, દુનિયા યાદ રાખે એકતાની શું તાકાત હોય.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Sep 2025 04:29 PM (IST)Updated: Tue 02 Sep 2025 04:29 PM (IST)
rajkot-news-chalo-ribda-rally-for-support-of-aniruddhsinh-jadeja-in-murder-cases-596161
HIGHLIGHTS
  • 'એકતા પરમો ધર્મ'ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટથી ચકચાર
  • સર્વોચ્ચ અદાલતનો અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધી જેલમાં સરેન્ડર કરવાનો હુકમ

Rajkot: સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર ગોંડલના તત્કાલીન ધારાસભ્ય સ્વ. પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં આરોપી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફ કરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટે રદ કરી તેમને 18 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર કરવા હુકમ કરતા ફરી એક વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે.

એવામાં અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવા સામે આગામી તા. 5 સપ્ટેમ્બરને શુક્રવારનાં રોજ બપોરે બે વાગ્યે રીબડા ખાતે શકિત પ્રદર્શન કરવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભારે ચર્ચા જાગી છે.

ગોંડલના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની 37 વર્ષ પહેલા 15મી ઓગષ્ટની ઉજવણી દરમિયાન સરાજાહેર થયેલી હત્યાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જે-તે વખતે સુપ્રીમ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા બાદ 18 વર્ષ પછી ગુજરાત સરકાર અને જેલ તંત્ર દ્વારા અનિરૂધ્ધસિંહ જાડેજાને આઠ વર્ષ પહેલા આપવામાં આવેલી ભેદી સજા માફીને સ્વ. પોપટભાઇ સોરઠીયાના પૌત્રએ કાનૂની પડકાર આપતા પહેલા હાઇકોર્ટ અને ગઇકાલે સુપ્રીમ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને તા. 18 મી સુધીમાં જેલમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.

હવે આ મામલો રાજકીય અને સામાજિક સ્વરૂપ પકડી રહયો હોય તેમ સોશિયલ મીડિયામાં નામ વગરની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે અને આ પોસ્ટમાં સજા માફી રદ કરવા સામે સવાલો ઉઠાવાયા છે.

‘એકતા પરમો ધર્મ’ના નામે વાયરલ કરવામાં આવેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે ‘રીબડા ફોર જસ્ટીસ’… તા. 5 સપ્ટેમ્બર 2025, શુક્રવાર, બપોરે 2.00 કલાકે… ગામ રીબડા, તા. ગોંડલ, જી. રાજકોટ. સ્વયંભુ ઉપસ્થિતિ… ચાલો રીબડા… ‘જય હિન્દ’, ‘જય ગરવી ગુજરાત’.

'અનિરુદ્ધસિંહ બાપુએ 18 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમની સજા માફી રદ્દ કરવામાં આવી, તે અન્યાય છે'

આ પોસ્ટમાં વિશેષમાં લખવામાં આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં રહેતા દરેક રાજપૂત ક્ષત્રિય, કાઠી દરબારો, ગીરાસદાર રાજપૂત સમાજ આપણા સમાજ માટે આગેવાન એવા અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા) દ્વારા 18 વર્ષની સજા ભોગવ્યા બાદ આજે ફરી એજ કેસમાં સજા માફી રદ કરવામાં આવી… આ અન્યાય નથી ? સમય સંજોગો પ્રમાણે જે પણ બનાવ હતો તે બધાને ખ્યાલ છે. જો કે આજે રીબડા પરિવાર સાથે ઉભા રહેવાનો સમય છે. તો સ્વયંભુ આપણે દરેક જિલ્લા-તાલુકા-ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં ભેગા થઇને આ ભાજપ સરકારને આ નિર્ણય લેવા રજૂઆત કરીએ. ન કોઇ આગેવાન… ન કોઇ આંદોલન… માત્રને માત્ર તે આપણો પરિવાર છે તે સમજી સ્વયંભુ આપણે તેમના સમર્થનમાં ભેગા થઇએ.

એક રાજપુત એક ક્ષત્રિયની નૈતિક ફરજ સમજી આ જ આપણા પરિવારનો જ પ્રશ્ન છે, તે સમજી રીબડા ગામ ખાતે એટલી સંખ્યામાં ભેગા થવાનું છે કે દુનિયા યાદ રાખે એકતાની શું તાકાત હોય.

પોસ્ટમાં એવુ પણ લખવામાં આવ્યુ છે કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ ગુજરાત દરેક ખુણે વસતા રાજપૂતોને એકતા સાથે ભેગા થવા અપીલ છે. સમય ફરી આજે એક થવાનો છે. અમે દરેક સમાજના લોકોને પણ આ બાબતે ત્યા ઉપસ્થિત રહેવા અનુરોધ કરીએ છીએ.

સામાજિક કાર્યો સાથે સંકળાયેલા અનિરૂધ્ધસિંહને સપોર્ટ કરવા આપ સર્વેને હાજરી આપવા ખાસ અપીલ છે. કોઇ જન્મથી ગુનેગાર ન હોય, પોપટભાઇ સોરઠીયા દ્વારા એક નિવેદન આપવામાં આવેલ જેથી આ બનાવ બન્યો. તે બાબતે 18 વર્ષની જેલ સજા ભોગવ્યા બાદ સામાજીક કાર્યો સાથે સંકળાયેલા અનિરૂધ્ધસિંહને ફરી 37 વર્ષ જુના કેસમાં સજા માફી રદ કરી અન્યાય કરવો યોગ્ય નથી. વ્યકિત આજે શું છે તે જોવો… ભુતકાળમાં કરેલી ઘટનાની સજા ભોગવ્યા બાદ આજે ન્યાયતંત્ર આવો ગેરવ્યાજબી ચુકાદો આપે તે યોગ્ય નથી.

આમ આ ઉપરોકત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી છે. જોકે પોસ્ટ કરનારનું નામ કે કોઇ સંગઠનનું નામ આપવામાં આવ્યુ નથી. જો કે સમાજના લોકોને એકઠા કરી શકિત પ્રદર્શન કરવાનો પ્રયાસ થઇ રહયાનું જણાય છે.

હકીકત પહેલા હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રિમ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન સજા માફી રદ કરી છે. આ સજા માફી થઇ ત્યારે પણ અનેક વિવાદો સર્જાયા હતા. હવે જયારે સર્વોચ્ચ અદાલત સુધી ચુકાદા આવી ગયા છે, ત્યારે તેને કાનૂની રીતે પડકારવાના બદલે શકિત પ્રદર્શન કરી કોઇ મેસેજ આપવા પ્રયાસ થઇ રહયો હોય તેવુ ફલિત થાય છે.