Rajkot: બ્રેક ફેલ થતાં એસ.ટી બસ બેકાબુ બની, બસ સ્ટેશનની બહાર જ માથા પર ટાયર ફરી વળતા મુસાફરનું મોત

બેકાબુ બનેલી બસના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં અફરાતફરી. પોલીસ દ્વારા બસના ડ્રાઈવરની પૂછપરછ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Oct 2025 08:54 PM (IST)Updated: Tue, 07 Oct 2025 08:54 PM (IST)
rajkot-news-break-fail-st-bus-hits-passenger-killed-out-side-bus-station
HIGHLIGHTS
  • રાજકોટ-બરવાળા રૂટની બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો

Rajkot: રાજકોટ શહેરના મુખ્ય બસપોર્ટ વિસ્તારમાં આજે સાંજે એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એસટી બસની ટક્કરથી એક વૃદ્ધ મુસાફરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બસની બ્રેક ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 'રાજકોટ-બરવાળા-રાજકોટ' રૂટની એક એસટી બસ બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી. તે જ સમયે બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ સ્ટેશનની બહારથી પસાર થઈ રહેલા એક 65 વર્ષીય મુસાફરને આ બેકાબૂ બસે જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે મુસાફરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ અકસ્માતના કારણે વૃદ્ધ મુસાફરનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની જાણ થતાં જ બસપોર્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બસના ડ્રાઇવરની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પાટડીના ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં 4 મહિલાના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે કાર ચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવાર લખતરના ડેરવાળા ગામનો વતની છે અને હાલ અમદાવાદ ખાતે રહે છે. આ પરિવાર ધાર્મિક યાત્રાએ ગયો હતો. તેઓ ધામા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર સામેથી પુરપાટ આવતા ડમ્પર સાધે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.