Rajkot: બંગાળમાં રહેતી પ્રેમિકાએ અન્ય યુવક સાથે લગ્ન કરી બાળકને જન્મ આપ્યો, ઈન્સ્ટામાં પોસ્ટ જોઈ ભાંગી પડેલા પ્રેમીએ મોતની સોડ તાણી

હતાશ યુવકે બારીમાં ગમછો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો. સવારે દિપકને લટકતો જોતા તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી, જે ટીમે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Oct 2025 08:26 PM (IST)Updated: Wed, 01 Oct 2025 08:26 PM (IST)
rajkot-news-boyfriend-commit-suicide-after-show-girlfriend-marriage-post-on-instagram
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પ્રેમિકાએ રાજકોટમાં રહેતા પ્રેમીને અંધારામાં રાખી બીજા યુવક સાથે ઘર માંડ્યું
  • યુવકના મોતથી બંગાળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

Rajkot: રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં રહેતાં બંગાળી કારીગરને અંધારામાં રાખી પ્રેમિકાએ લગ્ન કરી લીધા બાદ બાળકને જન્મ આપ્યો હતો. પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી જોઈ જતાં માઠુ લાગી આવ્યું હતું અને પોતાના ઘરની બારીમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી બંગાળી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સોની બજારમાં આવેલ બોઘાણી શેરીમાં રહેતા દિપક રવાભાઈ દાસ નામનો 20 વર્ષનો યુવાન મધરાત્રે મકાનની બહારની સાઈડમાં આવેલી બારીમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે યુવકને લટકતો જોઈ 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ યુવકને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દિપકદાસ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને રાજકોટમાં રહી મજૂરી કામ કરતો હતો. દિપક દાસ અપરિણીત હતો અને તેના વતનમાં રહેતી યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો. જો કે પ્રેમિકાએ દિપક દાસને અંધારામાં રાખી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતાં અને લગ્ન બાદ પ્રેમિકાએ બાળકને જન્મ પણ આપ્યો હતો.

પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યો હોવાની કોઈએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી, જે દિપક દાસ જોઈ જતાં પ્રેમિકાએ અંધારામાં રાખી લગ્ન કરી બાળકને જન્મ આપ્યો હોવાથી માઠુ લાગતાં દિપક દાસે આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ રમેશભાઈ ચૌહાણ અને રાયટર વિજયભાઈ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલમાં વ્યસ્ત રહેતા પુત્રને માતાએ ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો
રાજકોટના વસુંધરા માર્કેટ નજીક આવાસ ક્વાર્ટર્સમાં રહેતો નમન મહેતા (17) સતત મોબાઈલ ફોનમાં ગેમ રમવામાં વ્યસ્ત રહેતો હતો. આથી તેની માતાએ તેને ફોન મૂકી દેવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા નમને રાતના સમયે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક નમનને નીચે ઉતારી 108ને જાણ કરી હતી. જ્યાં EMTએ તપાસી નમનને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.