Rajkot: ગોંડલમાં નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ માતાની નજર સામે રમી રહેલી બાળકી રવેશમાંથી નીચે પટકાઈ મોતને ભેટી

અગાઉ માતા કામમાં વ્યસ્ત હતી, ત્યારે તેની બાળકી ઉકળતા દૂધના તપેલામાં પડી હતી અને ચીસાચીસ કરી મૂકી હતી. તેનું પણ દાઝી જતાં દર્દનાક મોત નીપજ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Oct 2025 07:53 PM (IST)Updated: Wed, 01 Oct 2025 07:53 PM (IST)
rajkot-news-daughter-fall-from-terrace-and-died-front-of-mother-eyes
HIGHLIGHTS
  • માતાએ પકડવાનો પ્રયાસ કર્યો છતાં હાથમાંથી છટકતા નીચે પટકાઈ
  • 2 વર્ષની બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ લઈ જવાઈ

Rajkot: નાના બાળકોને અગાસી ઉપર કે રવેશમાં એકલા રમતા મૂકી દેતા વાલીઓ માટે ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં રમતા રમતા પહેલા માળે રવેશમાંથી પટકાતા પરપ્રાંતિય પરિવારની બે વર્ષની માસૂમ બાળકીનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ બસ સ્ટેન્ડ સામે પટેલ લાઇક ડેકોરેશનમાં કામ કરતા અને પરિવાર સાથે રહેતા પ્રકાશભાઇ મહંતોની બે વર્ષની પુત્રી આરૂષી ગત 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે રમી રહી હતી.

આ દરમિયાન અચાનક પહેલા માળની રવેશમાંથી રમતા રમતા નીચે પટકાતા તેને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આરુષી માતા-પિતાની એક માત્ર દીકરી હતી. આરુષી મકાનના પહેલા માળે માતા પાસે રવેશના ભાગે ઉભી હતી. જ્યાંથી લપસી ગઈ હતી. માતાએ પકડવાનો પ્રયત્ન કર્યો પણ પકડી શકી નહોતી. આ બનાવ અંગે જરૂરી કાગળ કાર્યવાહી કરી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

ઉકળતા દૂધના તપેલામાં ખાબકેલી બાળકીનું દાઝી જતાં મોત
આજથી સપ્તાહ પહેલા જ આવો જ એક બનાવ આંધ્ર પ્રદેશના અનંતપુરમાંથી સામે આવ્યો હતો. જેમાં કૃષ્ણવેણી સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી એક મહિલા પોતાની 17 મહિનાની દીકરી અક્ષિતાને લઈને કામ કરવા ગઈ હતી. જ્યાં માતા પોતાના કામમાં વ્યસ્ત હતી, ત્યારે નાની અક્ષિતા રમતા-રમતા રસોડામાં પહોંચી ગઈ હતી.

આ સમયે રસોડામાં બાળકોને પીવડાવવા માટે ગરમ કરેલુ દૂધ ઠંડુ પડવા માટે પંખાની નીચે રાખવામાં આવ્યું હતુ. અક્ષિતા રમતા-રમતા ગરમ દૂધના તપેલા પાસે પહોંચી ગઈ હતી. આ દરમિયાન ત્યાં બિલાડી આવતા અક્ષિતા જોવા નીચે નમી, તે સાથે જ ઉકળતા દૂધના તપેલામાં પડી ગઈ હતી. અક્ષિતાએ તપેલામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નીકળી ના શકી અને ચિસાચીસ કરી મૂકી. જે સાંભળીને બહારથી માતા દોડતી રસોડામાં આવી અને દીકરીને દૂધના તપેલામાંથી બહાર કાઢીને અનંતપુર હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.

આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આથી બાળકો જ્યારે રમતા હોય, ત્યારે કામની સાથે-સાથે તેમના પર સતત નજર રાખવી જોઈએ. ખાસ કરીને કોઈ અજાણી જગ્યાએ બાળક રમતુ હોય, ત્યારે બને તો તમારે પણ તમારું કામ પડતું મૂકીને તેના પર જ ધ્યાન આપવું જોઈએ.