Rajkot: રાજકોટમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, રસ્તામાં આખલો આડો ઉતરતાં બાઈક સવાર દંપતી નંદવાયું

દંપતી અણિયારા ગામથી લૌકિક ક્રિયા પતાવીને પરત ફરતું હતુ, ત્યારે રસ્તામાં આખલો સામે આવતા બાઈક સ્લીપ થઈ જતાં પતિ-પત્ની નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 05:12 PM (IST)Updated: Thu, 18 Sep 2025 05:12 PM (IST)
rajkot-news-bike-sleep-due-to-stray-cattle-menace-couple-fall-down-wife-killed
HIGHLIGHTS
  • ત્રંબા-કાળીપાટ નજીકની કરુણ ઘટના
  • પતિની નજર સામે જ પત્નીએ દમ તોડ્યો

Rajkot: હાઈકોર્ટની ફટકાર બાદ આજથી બે વર્ષ અગાઉ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવી ઢોર પકડ પોલિસી અપનાવવામાં આવી હતી. જેમાં રખડતા ઢોર પકડાય તો તેના માલિકને જંગી દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. આમ છતાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં રખડતા ઢોરનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. આવો જ વધુ એક કરૂણ કિસ્સામાં દંપતી ખંડિત થયું છે.

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતું દંપતી અણિયારા ગામથી લૌકિક ક્રિયા પતાવીને બાઈક પર ઘરે પરત ફરતું હતુ. દંપતીનું બાઈક ત્રંબા અને કાળીપાટ વચ્ચે રસ્તા પરથીપસાર થઈ રહ્યું હતુ, ત્યારે અચાનક સામેથી આખલો ધસી આવ્યો હતો. જેના કારણે પતિએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતુ. આ અકસ્માતમાં બાઈક પરથી નીચે પટકાલેયા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે પત્નીનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શ્રમજીવી સોસાયટી-2માં રહેતા રિનાબેન પિયુષભાઈ દૂધરેજીયા (30) સવારના સાડા દસ વાગ્યાના અરસામાં પોતાના પતિ પિયુષ દૂધરેજીયાના બાઈક પાછળ બેસીને ત્રંબાથી કાળીપાટ ગામ તરફ આવી રહ્યા હતા.

naidunia_image

આ સમયે રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતા પિયુષ દૂધરેજીયાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતુ. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિના દૂધરેજીયાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે રિનાબેને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બાબતની જાણ થતાં આજી ડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિનાબેન દૂધરેજીયાને સંતાનમાં એક પુત્ર છે. રિનાબેન પોતાના પતિ પિયુષ દૂધરેજીયા સાથે અણિયારા ગામે લૌકિક ક્રિયામાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં આખલો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો.

જામનગરમાં રખડતા ઢોરે અડફેટમાં લેતા મેડિકલ સંચાલકનું મોત
જામનગર જિલ્લાના શેખપાટ ગામમાં રહેતા જયેશ કણજારીયા શહેરની જીવનદીપ હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોર્સ ધરાવતા હતા. તેઓ ભાદરવી અમાસના રોજ મચ્છુ બરેરાજા નજીક ભોળેશ્વર મહાદેવના મેળામાં પોતાના મિત્રો સાથે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે રિલાયન્સ ગેટ નંબર 8 નજીક સામેથી અચાનક આવતો આખલો જયેશની બાઈક સાથે ભટકાયો હતો. આ અકસ્માતમાં ફૂટબોલ માફક ફંગોળાયેલા જયેશ કણજારીયાને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલ અને પછી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જયેશ કણજારીયાનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.