Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં અંધશ્રદ્ધામાં અંત આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગંભીર હાલતમાં આધેડને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા (47) નામના આધેડ આજે સવારે પોતાના ઘરેથી નીકળીને ભોજપરા ગામની નૂતન સ્કૂલ નજીક આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં શિવલિંગની પૂજા કર્યા બાદ આજુબાજુમાં કોઈ ના દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું જ ગળું કાપીને જાત બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો
આ ઘટના બાદ કોઈ દર્શનાર્થીએ આધેડને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઈને બીજા લોકોને જાણ કરી હતી. જે બાદ સૌ પ્રથમ ગોંડલ અને પછી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
આ બાબતે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ગોંડલ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં શિવભક્ત ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઈમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા હતા અને બે મહિનાથી ગોંડલ ઘરે આવ્યા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.
ધર્મેન્દ્રસિંહના નાનાભાઈએ જણાવ્યું કે, મોટાભાઈ આજે સવારે મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જે બાદ મંદિરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા. તેઓએ કમળ પૂજા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
