Rajkot: શાપર-વેરાવળના પારડી ગામ નજીક શીતળા માતાજીના મંદિર પાસે રસ્તા પર આવેલ PGVCLના ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેથી રસ્તા પરથી પસાર થતાં રાહદારી માતા-પુત્ર આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ બન્નેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રિબડા ગામમાં રહેતા બેબીબેન સરવટ ગિરી (34) નામની મહિલા પોતાના 3 વર્ષીય પુત્ર હયાત સાથે આજે બપોરે ચાલતા શીતળા માતાજીના મંદિર નજીક રહેતા તેના મામાજી સસરાના ઘરે જઈ રહી હત. આ દરમિયાન પારડી નજીક રસ્તા પર આવેલ PGVCLના ટ્રાન્સફોર્મરમાં અચાનક ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
આ પણ વાંચો
ટ્રાન્સફોર્મર ફાટતા તેમાથી ગરમ ઓઈલ ઢોળાયા બાદ તેના પર આગના તણખા ઉડતાં રસ્તા પર પણ આગ પ્રસરી ગઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બેબીબેન અને તેમનો પુત્ર આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ માતા-પુત્રની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક મહિના અગાઉ પણ આજ સ્થળે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સમયે પણ રસ્તા પરથી પસાર થતા પિતા-પુત્ર દાઝી ગયા હતા. જે પૈકી પિતાનું મોત થયું હતુ. એવામાં આજે આવો જ વધુ એક બનાવ સામે આવતા ગ્રામજનોમાં PGVCLની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
