Rajkot: રાજકોટમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય, તેમ ક્રાઈમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં કુખ્યાત બુટલેગરને સમાધાન માટે ભોમેશ્વર મંદિર નજીક બોલાવીને તેના સાસરિયાઓએ ધારિયા અને તલવાર લઈને તૂટી પડ્યાં હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વર વિસ્તારના ભવાની સર્કલ નજીક રહેતા કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલિયા (46) ગત રાતે એકાદ વાગ્યાના અરસામાં ભોમશ્વર મંદિર નજીક ઉભો હતો. આ સમયે તેની સાળી હીરલ કોટક અને સાળા રાજુ કોટકે તેના પર ધારીયા અને તલવાર વડે હુમલો કરીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
આ હુમલામાં ઈજાગ્રસ્ત હર્ષદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હર્ષદ મહાજને મેઘા સાથે પ્રેમલગ્ન કર્યાં છે. આગલા ઘરના સંતાનો મુદ્દે ઝઘડો થતાં મેઘા 15 દિવસથી રીસાઈને પોતાના પિયર જતી રહી હતી. જેના સમાધાન માટે સાળા અને સાળીએ ભોમેશ્વર મંદિર નજીક બોલાવીને હુમલો કર્યો હોવાનો હર્ષદે આક્ષેપ કર્યો છે.
મોડી રાતે જાહેરમાં થયેલી મારામારી અને પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ તો પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધી અને વીડિયોના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
