Rajkot: 22 સપ્ટેમ્બરે અમિત શાહની હાજરીમાં વિશાળ ખેડૂત સંમેલન, 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના હસ્તે રાજકોટ જિલ્લા બેંક ભવન ખાતે કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ રાદડિયાના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવનાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 15 Sep 2025 04:55 PM (IST)Updated: Mon, 15 Sep 2025 04:55 PM (IST)
rajkot-news-amit-shah-to-attend-khedut-sammelan-present-of-jayesh-radadiya
HIGHLIGHTS
  • રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક અને રાજકોટ ડેરી સહિતની સંસ્થાઓ દ્વારા ખેડૂત સંમેલન
  • જયેશ રાદડિયા દ્વારા અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતુ

Rajkot: રાજકોટમાં આગામી તા.22 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહની હાજરીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને 7 સહકારી સંસ્થાઓ દ્વારા વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આગામી 22મીં સપ્ટેમ્બરના રોજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી), જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી મુદ્રણાલય સંઘ, રાજકોટ કોટન યુનિયન તથા રાજકોટ જિલ્લા બેંકના કર્મચારીઓની મંડળી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું એકસાથે આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ.વિઠ્ઠલ રાદડિયાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે

આ સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો સભ્યો પણ ઉપસ્થિત રહેનાર હોવાથી સહકારી નેતા જયેશ રાદડિયા દ્વારા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો અમિત શાહે સ્વીકાર કરતાં આગામી તા.22 સપ્ટેમ્બરના રોજ સોમવારે રેસકોર્સ મેદાન ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે અમિત શાહના હસ્તે રાજકોટ જિલ્લા બેંક ભવન ખાતે કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ રાદડિયાના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવનાર છે.

હાલની રાજકીય સ્થિતિમાં યુવા ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડિયાનું આ શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપના સંગન અને સરકારમાં ફેરફારો તોળાઈ રહ્યાની ચર્ચા વચ્ચે અમિત શાહની હાજરીમાં યોજાઈ રહેલ ખેડૂત સંમેલન માનવામાં આવેલ છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે, સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા રાજકોટમાં સહકારી બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ જયેશ રાદડિયાએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી. આ મુલાકાતને પગલે ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.