પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ રહેશે, 22મીથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે

30 સપ્ટેમ્બર સુધી મોન્સૂન વિથ્ડ્રોલ પ્રોસેસ ચાલશે અને ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધી વરસાદ વરસી શકે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Sep 2025 09:02 PM (IST)Updated: Sun, 14 Sep 2025 09:02 PM (IST)
paresh-goswami-ni-agahi-monsoon-active-in-gujarat-rain-round-till-21st-september
HIGHLIGHTS
  • જેમ-જેમ દિવસ વીતશે, તેમ-તેમ વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધશે
  • આ રાઉન્ડમાં મોટાભાગે 1 થી 4 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના

Paresh Goswami Ni Agahi:ગુજરાતમાં મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાય થઈ જતી હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં હાલની તારીખમાં પણ ચોમાસું સક્રિય હોવાનું જણાવ્યું છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આજે પણ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આવતીકાલે એટલે કે 15 તારીખે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જે બાદ 16 સપ્ટેમ્બરથી જેમ-જેમ દિવસ આગળ જશે, તેમ-તેમ વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધતી જશે. આથી 21 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ યથાવત રહેશે.

આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ રાજ્યના 40 થી 50 ટકા વિસ્તાર ભીંજાઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે.

naidunia_image

ખાસ વાત એ છે કે, આ રાઉન્ડમાં બપોરના સેશનમાં ગાજવીજ સાથે બે કલાક માટે વરસાદ પડી શકે છે. જેમાં મોટાભાગે 1 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. એકાદ સેન્ટરમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદની શક્યતા રહેશે. જો કે આ રાઉન્ડમાં અતિભારે વરસાદની શક્યતા નહીવત છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 22 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. આ મોન્સુન વિથ્ડ્રોલ પ્રોસેસ 30 સપ્ટેમ્બર સુધી ચાલી શકે છે. એટલે કે મહિનાના અંત સુધી આપણને વરસાદ જોવા મળી શકે છે. જે બાદ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, એટલે કે વરસાદ હજુ લાંબા સમય સુધી રહેશે.

આજે ગુજરાતના 27 તાલુકામાં દોઢ ઈંચ સુધીના વરસાદી ઝાપટા

સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી અમરેલીના જાફરાબાદમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર સોમનાથના ઉનામાં 34 મિ.મી, છોટા ઉદેપુરમાં 31 મિ.મી, વલસાડના ઉમરગામમાં 27 મિ.મી વરસાદ વરસી શકે છે.