Rajkot: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં સાક્ષી સગીરા દ્વારા ગોંડલ કોર્ટમાં કુલ 28 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં અનેક મોટા નામો સામેલ હોવાથી રાજકીય અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદમાં નોંધાયેલા મુખ્ય નામોમાં જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને 6 પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. સગીરાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પર 6 લોકોના નામ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ કરનારાઓમાં કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ અને પોલીસ અધિકારીઓ સામેલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.
આ સમગ્ર મામલે ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે (સ્ટેટ મોનિટરિંગ સેલ)ને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. આ કેસની સંવેદનશીલતા અને તેમાં સામેલ મોટા નામો જોતાં, ઉચ્ચ સ્તરીય તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. અમિત ખૂંટના આત્મહત્યા પાછળના સાચા કારણો અને તેમાં કોણ કોણ જવાબદાર છે તે બહાર લાવવા માટે આ ફરિયાદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગત 5 મેના રોજ રીબડા ખાતે અમિત ખૂંટે આપઘાત કર્યો તેની પહેલા રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં સગીરા દ્વારા તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
