Rajkot: ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટના આપઘાત પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં અમિત ખૂંટના પરિવારજનોએ ન્યાય નહી મળે, તો સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
આજે અમિત ખૂંટના કાકા જયંતીભાઈ ખૂંટ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 15 થી 20 દિવસોમાં તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે તો તેઓ સામુહિક આત્મવિલોપન કરશે.
અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ ના થવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય અપાવવા ખાતર આજે રીબડા ગામે 50 જેટલા સરપંચો અને ઉપસરપંચો એકઠા થયા હતા. આ તમામ આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ આક્રોષ ઠાલવ્યો હતો. જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમિત ખૂંટને કાવાદાવા કરીને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.
આ ગુનાના આરોપીઓ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે, ત્યારે જયંતીભાઈ ખૂંટે આક્ષેપ કર્યો હતો કે, ઠાકરધણી હોટેલ અને બાપાસીતારામ હોટેલમાં દેશી દારૂ વેચાય છે અને જુગારના અડ્ડા પણ આ હોટેલમાં ચાલે છે. તેમણે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.
