Rajkot: 'તારો પુત્ર અમારી બહેનને ગર્ભવતી બનાવીને લગ્નથી ફરી ગયો'- કહી દંપતીના ઘરમાં ઘૂસી લોખંડના સળિયાથી તોડફોડ, બે ભાઈઓ સામે ગુનો દાખલ

'અહીંથી મકાન ખાલી કરીને જતા રહેજો, દેખાયા તો જાનથી મારી નાંખીશ'- બે ભાઈઓની ધમકીથી દંપતીએ ઘર પણ છોડી દીધુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Nov 2024 08:57 PM (IST)Updated: Sat, 09 Nov 2024 08:57 PM (IST)
rajkot-news-a-couples-house-broken-with-an-iron-rod-fir-against-2-brother
HIGHLIGHTS
  • ફ્રીઝ-ટીવી તોડી નાંખ્યા, તેલનો ડબ્બો ઢોળી દીધા બાદ ફરિયાદીના પતિને ફટકાર્યા

Rajkot: શહેરના રૈયાગામ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરમાં ઘૂસીને બે ઈસમોએ તોડફોડ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં મહિલાએ રૈયા ગામમાં જ રહેતા બે યુવકો વિરુદ્ધ ધમકી આપવા અને ઘરમાં તોડફોડ કરવા અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રૈયાગામમાં રહેતા રંભાબેન અઘારિયા (52) ગત 3 નવેમ્બરના રોજ પોતાના પતિ સાથે ઘરે હાજર હતા. આ સમયે રૈયાગામમાં જ રહેતા વાલજી અને તેનો ભાઈ વનરાજ ઘરમાં ઘૂસી ગયા હતા.

જેમણે રંભાબેનને ધમકી આપતા કહ્યું હતું કે, તારા પુત્ર અર્જુને અમારી બહેન સાથે શરીરસબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી છે. હવે તારા દીકરાને લગ્ન કરવાનું કહેતા તે ફરી ગયો છે. આથે હવે તમને કોઈને અહીં રહેવા નહીં દઉ. અહીંથી મકાન ખાલી કરીને જતા રહેજો. જો અહીં દેખાયા તો જાનથી મારી નાંખીશ.

જે બાદ આરોપી પોતાની સાથે લાવેલા લોખંડના સળિયા વડે ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં ઘરમાં રહેલ ટીવી અને ફ્રીઝ તોડી નાંખ્યું હતુ અને તેલનો ડબ્બો પણ ઢોળી દીધો હતો. જે બાદ ફરિયાદી રંભાબેનના પતિને પણ ફટકાર્યા હતા.

બે ભાઈઓની ધમકીથી ડરીને દંપતી ઘર છોડીને જતા રહ્યા હતા. આખરે આટલા દિવસ બાદ દંપતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.