અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર ટ્રીપલ અકસ્માત: ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં બે કારને ઠોકરે ચડાવી, 37 ઘાયલ

કચ્છના અંજારથી વૃંદાવન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં 28 જેટલા મુસાફરો અંબાજી દર્શનાર્થે આવ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Nov 2024 08:16 PM (IST)Updated: Sat, 09 Nov 2024 08:16 PM (IST)
banaskantha-news-triple-accident-on-trishuliya-ghat-37-injured

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના આવેલા સુપ્રસિદ્ધ તિર્થધામ અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટ પર છાશવારે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે, ત્યારે આજે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખાનગી લક્ઝરી બસે બે કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 37 લોકોને ઈજા પહોંચી છે, જે પૈકી 9ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ જિલ્લાના અંજારથી 28 જેટલા માઈભક્તોને લઈને અંબાજી દર્શનાર્થે આવેલી ખાનગી લક્ઝરી બસ ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી બે કારને ઠોકરે ચડાવી હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર 20 મુસાફરો તેમજ કારમાં રહેલા પેસેન્જર મળીને કુલ 37 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક 108 મારફતે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 9 ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેઓને સઘન સારવાર માટે પાલનપુર રિફરકરવામાં આવ્યા છે.