Rajkot: રાજકોટ જિલ્લામાં તાજેતરમાં 10થી વધારે બોગસ શાળાઓ ઝડપાઈ હતી, ત્યારે માત્ર કાગળ પર અને RTEના છાત્રો અભ્યાસ કરતા હોય તેવી આઠ શાળાઓ શિક્ષણ વિભાગના ધ્યાને આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેને તાળા મારી દેવામાં આવ્યા છે અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં એડમિશન આપી દેવામાં આવ્યા છે.
આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણધિકારીએ જણાવ્યું હતુ કે, આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા જૂન-જૂલાઇમાં આદેશ થયો હતો અને ત્યારબાદ હિયરીંગ કરવામાં આવ્યા બાદ તેના વર્ગ બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે.
આ તપાસમાં શાળાઓની ગોલમાલનો ભાંડો ફૂટયો છે. આ શાળાઓ ફક્ત કાગળ પર ચાલતી હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા અધિકારી એકશનમાં આવતા વિદ્યાર્થી વગરની 8 શાળાઓ બંધ કરવામાં આવી છે. આ શાળાઓમાં ગોંડલ,ધોરાજી અને જસદણ તાલુકાની શાળાને તાળા મારવામાં આવ્યા છે.
જ્યારે મેટોડાની રોટરી મિડટાઉન શાળા ટૂંક સમયમાં બંધ કરાશે. આ ઉપરાંત ગોંડલની વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ, ધોરાજીમાં મોટી મારડની સરસ્વતી વિધાલય, જસદણની શ્રેયસ સંસ્કાર મંદિર શાળા, શિવરાજપુરની શિવશક્તિ વિદ્યા મંદિર શાળા, વસાવડની અવધ વિધાલય,રાધે ક્રિષ્ના પ્રા.શાળા અને નવ વિદ્યાન પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.
રાજકોટમાં શાળાઓને લઈને હવે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે શાળાઓ સામે કડક પગલા લીધા બાદ હવે શહેરની શાળાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. શહેરની જે શાળાઓની તપાસ થશે અને વિધાર્થીઓ વગર શાળા ચાલતી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે. રાજ્યની શાળાઓ અત્યારે ચર્ચાના એરણે ચઢવા લાગી છે. શાળાઓ હવે સરસ્વતીનું મંદિર ના બની રહેતા એક બિઝનેસ બનવા લાગી છે.