Rajkot: શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બ્લેક ફિલ્મ લગાવેલી કારો અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે 15 દિવસ સુધી વિશેષ ડ્રાઈવ યોજવા કરેલા હુકમ બાદ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં 173 વાહનો સામે કાર્યવાહી કરી 86500નો દંડ વસુલ કર્યો હતો. આ ઝુંબેશનો હેતુ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું અને રોડ સલામતી વધારવાનો છે.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક ડો.હરપાલસિંહ જાડેજા અને ઇન્ચાર્જ એસીપી વિનાયક પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક બ્રાંચના પી.આઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી સેક્ટર મુજબ આ ડ્રાઈવ યોજી હતી.
એક જ દિવસમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા 68 કાર ચાલકો પાસેથી 34 હજારનો દંડ વસુલ કર્યો હતો.જયારે નંબર પ્લેટ વિના અને ફેન્સી નંબર પ્લેટ વાળા 105 વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા અને 52500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે, કારણ કે આવા વાહનોની અંદરની ગતિવિધિઓ બહારથી જોવી મુશ્કેલ બને છે. આ ઉપરાંત, નંબર પ્લેટ વિનાના વાહનો ઓળખવામાં મુશ્કેલી સર્જે છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓને આશરો આપી શકે છે. આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસે અલગ અલગ સેક્ટર પ્રમાણે શહેરના મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર ચેકિંગ ઝુંબેશ તેજ કરી છે. આ ડ્રાઈવ હેઠળ બ્લેક ફિલ્મ લગાવેલી કારના ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
મોટર વ્હીકલ એક્ટ અનુસાર, કાળા કાચ અથવા બ્લેક ફિલ્મનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે, અને આવા ઉલ્લંઘન માટે રૂ.100થી રૂ. 300 સુધીનો દંડ થઈ શકે છે. પુનરાવર્તિત ઉલ્લંઘનના કિસ્સામાં દંડની રકમ વધી શકે છે અથવા અન્ય કાનૂની કાર્યવાહી થઈ શકે છે. નંબર પ્લેટ વિનાના વાહનો માટે પણ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ દંડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી શક્ય છે.
રાજકોટ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ ઉપર જ દંડ ફટકારવામાં આવે છે. જો ચાલક દંડ ચૂકવવાનો ઇનકાર કરે, તો તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરવામાં આવી શકે છે અને કોર્ટમાં કેસ દાખલ થઈ શકે છે.